રાજ્યમાં આગામી પાંચ દિવસ પડશે ભારે વરસાદ
આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની અગાહી
અષાઢી બીજે રાજ્યના અનેક જિલ્લાઓમાં થઈ મેઘમહેર
હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આજે અષાઢી બીજના દિવસે સવારે છ વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી રાજ્યના 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઓલપાડ તાલુકામાં નોંધાયો છે. અહીં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. તાપીના ડોલવણમાં ત્રણ ઇંચ આસપાસ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના પારડીમાં બે ઇંચ આસપાસ વરસાદ પડ્યો છે. રાજ્યના 14 તાલુકામાં આજે સવારે છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં 24 કલાકમાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. તેમાં પણ આણંદ જિલ્લા પર મેઘરાજાએ વિશેષ હેત વરસાવ્યું છે. આણંદ જિલ્લાના બોરસદમાં રાત્રે છ કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સાંબેલાધાર વરસાદથી શહેર આખું પાણી પાણી થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા છે. શહેરના તમામ રસ્તાઓ પાણીમાં ગરક થઈ ગયા છે