વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11 ડિસેમ્બરે મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદી નાગપુરથી શિરડી સુધીના પૂર્ણ થયેલા ભાગનું ઉદ્ઘાટન કરશે, જ્યારે એક્સપ્રેસ વેનો બાકીનો ભાગ આગામી છ મહિનામાં તૈયાર થઈ જશે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ‘હિન્દુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ’ છ લેનનો એક્સેસ-નિયંત્રિત હાઈવે છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પછી તે રાજ્યનો બીજો એક્સપ્રેસવે છે.
નાયબ મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે, ‘આ અમારા માટે આનંદ અને ગર્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે. તેઓ નાગપુરથી શિરડી સુધીના 500 કિલોમીટરના પટ્ટાનું ઉદ્ઘાટન કરશે, જે પૂર્ણ થઈ ગયું છે, અને બાકીનો ભાગ આગામી 6 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.
એક્સપ્રેસ વે દ્વારા 14 જિલ્લાઓને જોડવામાં આવશે
તેમણે કહ્યું હતું કે એક્સપ્રેસ વે રૂટ પર એક નવો ઈકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે અને આ એક્સપ્રેસ વે દ્વારા 14 જિલ્લાઓને એકીકૃત કરીને પોર્ટ સાથે જોડવામાં આવશે. ફડણવીસે કહ્યું, ‘મને લાગે છે કે આ એક્સપ્રેસ વે વિદર્ભ, મરાઠવાડા અને સમગ્ર મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ લાવશે. જણાવી દઈએ કે 49,250 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ 701 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે 11 જિલ્લાઓમાં ફેલાયેલા 392 ગામોમાંથી પસાર થાય છે.