2 ઈરાની બોટ સાથે 15 જેટલા ઈરાની ક્રુ મેમબરોને ઝડપી લેવામાં આવ્યા
કોસ્ટગાર્ડ અને NCBનું સંયુક્ત ઓપરેશન
બોટમાં ગેરકાનૂની વસ્તુઓ હોવાની એન.સી.બીને માહિતી મળી હતી
ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને એન.સી.બી.દ્વારા અરબી સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી 2 ઈરાની બોટ સાથે 15 જેટલા ઈરાની ક્રુ મેમબરોને ઝડપી લેવામાં આવ્યા હતા. જો કે આ બોટોમાંથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ ન મળતા આ તમામ ક્રુ મેમ્બરો સામે પોરબંદરના નવીબંદર પોલીસ સ્ટેશનમાં સીમા ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન સુરક્ષા એજન્સીઓને કોઈ ખાસ માહિતી કે ચીજવસ્તુઓ હાથ નહીં લાગતા તમામ નાગરિકોને પોરબંદર એસ.ઓ.જીની ટિમને સોંપવામાં આવ્યા હતા.એસ.ઓ.જીની ટિમ દ્વારા તમામ નાગરિકો સામે પોરબંદરના નવીબંદર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર ઘૂસણખોરી સહિતની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.જેની ઝીણવટ ભરી પૂછપરછ દરમિયાન ઈરાની નાગરિકો કઈ રીતે ભારતમાં આવ્યા તે સહિતની તમામ વિગતો બહાર આવી શકે તેમ છે.
છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ માફિયાઓ દ્વારા દરિયાઈ માર્ગનો ઉપયોગ કરી મોટી માત્રામાં નશીલા પદાર્થની હેરાફેરી કરવામાં આવે છે. જો કે સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે આ ડ્રગ્સ માફિયાઓના કાળા મનસૂબા પાર પડતા નથી. ત્યારે ફરી એકવાર અરબી સમુદ્રમાં ઈરાની બોટમાં ગેરકાનૂની વસ્તુઓ હોવાની અને આ બોટ ગુજરાતના સમુદ્રમાં ગેરકાનૂની પ્રવૃતિઓ કરી રહી હોવાની એન.સી.બીને માહિતી મળી હતી. આ માહિતીના આધારે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને એન.સી.બી.દ્વારા અરબી સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અરબી સમુદ્રમાંથી 2 ઈરાની બોટ સાથે 15 જેટલા ઈરાની ક્રુ મેમબરો ઝડપાયા હતા. પોલીસ દ્વારા બંને બોટોને પોરબંદરની જેટ્ટી ખાતે લાવવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા બોટનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ઈરાની નગરિકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.