11 ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા
ઉદ્ધવ ઠાકરેએ બપોરે 12 વાગ્યે ઈમર્જન્સી બેઠક બોલાવી છે.
સીઆર પાટીલે વિશ્વ યોગ દિવસના તમામ કાર્યક્રમોમાં જોવાનું રદ કરી દીધું હતું
મહારાષ્ટ્રની રાજનીતિમાં ‘ખજૂરાહોકાંડ’ સર્જાયું છે. તેમજ મહારાષ્ટ્રની રાજનીતિમાં ભડકો થયો છે. શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 11 ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા. નારાજ ધારાસભ્યોને લઈને શિવસેનામાં સ્થિતિ વણસતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બપોરે 12 વાગ્યે ઈમર્જન્સી બેઠક બોલાવી છે.મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. અસંતુષ્ટ ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા હોવાની ગઈકાલથી ચર્ચા ચાલી રહી હતી.રાજકીય રીતે કોઈ મોટી ઊથલપાથલ થવાનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે.
આજે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા વિશ્વ યોગ દિવસના તમામ કાર્યક્રમોમાં જોવાનું રદ કરી દીધું હોવાનું ગઈકાલે રાત્રે જ જાણવા મળ્યું હતું. વિશ્વ યોગ દિવસના સી.આર.પાટીલના તમામ કાર્યક્રમ રદ કરવા પાછળ શિવસેના નારાજ ધારાસભ્ય સાથેની મુલાકાત પણ હોય શકે છે. દેવેન્દ્ર ફડણવીસ અને સી.આર.પાટીલ દ્વારા આ ગુપ્ત રાહે નારાજ શિવસેનાના ધારાસભ્યોને પોતાના તરફેણમાં લાવવા માટેનો પ્રયાસ શરૂ કરાયો હોય એ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. શિવસેનાના ધારાસભ્ય હાલ તેમના જ પક્ષના નેતાઓથી નારાજ હોય એવી ચર્ચા થઈ રહી છે.
શિવસેના નારાજ ધારાસભ્યોને ભાજપ તરફેણમાં લાવવા માટે દેવેન્દ્ર ફડણવીસ અને સી.આર.પાટીલ દ્વારા ઓપરેશન હાથ ધરાયું હોવાનું સામે આવી રહ્યું છે. મોટી રાજકીય હિલચાલને કારણે સી.આર.પાટીલ દ્વારા ગઈકાલે જ વિશ્વ યોગા દિવસના કાર્યક્રમમાં જવાનું રદ કર્યાનો મેસેજ મીડિયામાં આપી દેવાયો હતો. આ રાજકીય ઊથલપાથલને કારણે તેઓ અહીં વ્યસ્ત હોવાને કારણે યોગ દિવસમાં હાજરી આપી ન શક્યા હોય એવું પ્રબળપણે શક્યતા છે. હવે આ નારાજ ધારાસભ્યો સાથે ભારતીય જનતા પાર્ટી કયા પ્રકારની ગોઠવણ કરે છે એના પર સૌકોઈની નજર છે. જો આ નારાજ ધારાસભ્ય શિવસેનાના ભારતીય જનતા પાર્ટી સાથે આવવા તૈયાર થાય તો મહારાષ્ટ્ર અને રાજનીતિમાં ભૂકંપ આવી શકે છે.