ગિર સોમનાથ જીલ્લામાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ
ભાલકા તીર્થધામ એ મંદિર છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો
સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયુ
ગિર સોમનાથ જીલ્લામાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ. ભગવાન શિવનો શ્રાવણ માસ શરુ થઇ ગયો છે અને ઘણા લોકો મહાદેવના દર્શન માટે સોમનાથ જતા હોય છે ત્યારે સોમનાથની સાથે ઘણા એવા સ્થળો વિશે પણ આજે તમને જણાવશું જે તમે ફરી શકો છો.
રાણી અહલ્યાબાઈ સ્થાપિત મંદિર
આ મંદિરને જુનું સોમનાથ મંદિર પણ કહેવામાં આવે છે. સોમનાથ મંદિરમાં હુમલાઓના ડરથી મહારાણી અહલ્યાબાઈના કહેવાથી ઇ.સ.1783 અહી ભોયરામાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિર હાલના સોમનાથ મંદિરની એકદમ નજીક આવેલું છે
ગૌલોકધામ તીર્થ
સોમનાથ મંદિરની થોડી બાજુમાં નદી કિનારાપાસે ગૌલોકધામ તીર્થ આવેલું છે જ્યાં ઘણા બીજા મંદિરો પણ આવેલા છે તેમના મુખ્ય મંદિર શ્રી ગીતા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, કૃષ્ણચરણ પાદુકા, કાશી વિશ્વનાથ મંદિર અને ભીમનાથ મંદિર આવેલા છે. અહી તમને કુદરતી સોંદર્ય જોવા મળશે.
ભાલકા તીર્થધામ
ભાલકા તીર્થધામ એ મંદિર છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. પૌરાણિક માન્યતાઓ આધારે ભગવાન અહી પીપળાના ઝાડ નીચે ડાબો પગ જમણો પગ પર રાખીને યોગ સમાધિમાં બેઠા હતા ત્યારે જરા નામના પારધીએ ભૂલથી તેમને મૃગ સમજીને તેમના પર બાણ માર્યું હતું. અને તે બાણ ભગવાનના ડાબા પગમાં વાગ્યું હતું. આ મંદિરના પરિસરમાં પ્રગટેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે.
બાણ ગંગા
સોમનાથ મંદિરથી અંદાજીત 1 કિમીએ આવેલ આ બાણ ગંગા સ્થળ દરિયા કિનારે છે જ્યાં ભગવાનની શિવલિંગ દરિયાકાંઠે છે જયારે દરિયામાં ભરતી આવે છે ત્યારે દરિયાના મોજા શિવલિંગને જળ અભિષેક કરતા જોવા મળે છે.
પાંચ પાંડવ મંદિર – હિંગળાજ માતા ગુફા – સૂર્ય મંદિર
અહી પાંચ પાંડવોનું મંદિર આવેલું છે, સાથે જ હિંગળાજ માતાની ગુફા અને મંદિર આવેલું છે. ત્યાં બાજુમાં જ સૂર્યમંદિરમાં ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવે છે અને સાથે જ ત્યાં સૂર્ય કુંડ પણ આવેલો છે
ત્રિવેણી સંગમ
અહી ત્રણ નદીઓનું સંગમ થાય છે હિરણ,કપિલા અને સરસ્વતિ નદી. અહી ખુબ જ પ્રાકૃતિક દ્રશ્યો જોવા મળશે સાથે જ અહી હિંદુ ધાર્મિક વિધિઓ પણ થતી જોવા મળે છે. લોકો અહી ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવે છે અને પોતાને પવિત્ર કરે છે.
રામ મંદિર
અહી આસપાસ જંગલ જેવું વાતાવરણ જોવા મળશે સાથે જ ભગવાન રામના દર્શન પણ થશે. ત્યાં તમે થોડો સમય પસાર કરીને મનની શાંતિ અનુભવી શકો છો.
વેરાવળ ચોપાટી
આ જગ્યા સોમનાથ મંદિરથી થોડે દુર વેરાવળમાં આવેલી છે જ્યાં સુંદર મજાનો દરીયાકીનારો(બીચ) અને વોકવે છે. લોકો ત્યાં ફરવા માટે આવે છે અને સમય પસાર કરે છે. આ ઉપરાંત તમે વેરાવળ શહેરમાં નાના મોટા બીજા ઘણા સ્થળો જોઈ શકો છો.