ઉત્તર ગુજરાતના આ પ્રાચીન ઐતિહાસિક સ્થળને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન અપાયું છે
રાણકી વાવ નો ઇતિહાસ 900 વર્ષથી પણ વધુ જૂનો છે
5 થી 15 ઓગસ્ટ 2022 દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં કોઈ ટિકિટ નહીં લાગે
આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) હેઠળ મોદી સરકારે એક મોટો નિર્ણય કર્યો હતો જેમાં સરકારે 5 થી 15 ઓગસ્ટ સુધી તમામ સ્મારકો અને મ્યૂઝિયમ તથા ઐતિહાસિક સ્થળોમાં એન્ટ્રી ફ્રી કરવાની જાહેરાત કરી હતી.કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી કિશન રેડ્ડીએ એક મહત્વની જાહેરાત કરતા એવું જણાવ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ 5 થી 15 ઓગસ્ટ 2022 સુધી દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં કોઈ ટિકિટ નહીં લાગે. એટલે કે લોકો 10 દિવસ દેશના તમામ સ્મારકો મફતમાં જોઈ શકશે.
વર્લ્ડ હેરિટેજ
ઉત્તર ગુજરાતના આ પ્રાચીન ઐતિહાસિક સ્થળને યુનેસ્કો (unesco) દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન અપાયું છે. સરસ્વતી નદીના કિનારે આવેલી આ વાવ ગુજરાતના સોલંકી યુગની ભેટ છે. સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકી તેનો પુત્ર ભીમદેવ પહેલો ભીમદેવ પહેલાનો પુત્ર કર્ણદેવ અને કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહ જેમના સમયમાં સિદ્ધપુરમાં રુદ્ર મહાલયનું બાંધકામ પૂર્ણ કરી ભીમદેવ પહેલાએ મોઢેરામાં સૂર્યમંદિર બંધાવ્યું જ્યારે તેની રાણી ઉદયમતીએ જે વાવ બંધાવી તે રાણકી વાવ અથવા રાણી ની વાવ તરીકે જાણીતી થઈ હતી.
ઇતિહાસ
રાણકી વાવ નો ઇતિહાસ 900 વર્ષથી પણ વધુ જૂનો છે. રાણકી વાવનું બાંધકામ ઇ.સ. 1022 થી 1062-63 સુધી ચાલ્યું હતું. કાળક્રમે સરસ્વતી નદીના પુરના પ્રકોપે આ વાવ થળાઇને દટાઇ ગઈ હતી. ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા 1968માં પાટણમાં ઉત્ખનન શરૂ થયું અને 1980માં આ રાણકી વાવ પૂર્ણ રીતે ખોદી કાઢી હતી. ગુજરાતની બધી જ વાવમાં રાણકી વાવ શિરમોર સમી છે અને એટલે જ એને યુનેસ્કો તરફથી પુરાતત્વ વારસા તરીકેનું સ્થાન મળ્યું છે.
ખાસિયત
રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. તે સાત માળ જેટલી ઊંડી છે.આ વાવ જયા પ્રકાર ની વાવ છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે. વિશ્વ વિખ્યાત સ્ટેપવેલ નીચે એક નાનો દરવાજો પણ છે, જેની અંદર લગભગ 30 કિમી લાંબી એક સુરંગ છે. આ સુરંગ પાટણના સિદ્ધપુર ખાતે ખુલે છે હાલમાં આ સુરંગ પથ્થરો અને કાદવને કારણે બંધ છે પણ આવા ઇતિહાસ માટે જ રાણકી વાવ પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે.
અમદાવાદથી 125 કિલોમીટર દૂર પાટણ શહેર આવે છે જ્યાં આ વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણકી વાવ આવેલ છે. રાણકી વાવ નો ઇતિહાસ 900 વર્ષથી પણ વધુ જૂનો છે એટલા માટે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં મુલાકાતે આવે છે. વર્ષ 2014માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરી હતી.
ફ્રી પ્રવેશ
જેમાં ગુજરાતની હેરિટેજ સાઈટમાં (Gujarat Heritage Site) સૌથી લોકપ્રિય ગણાતી પાટણની પ્રસિદ્ધ અને વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણકી વાવમાં પણ પર્યટકો 10 દિવસ માટે કોઈ પ્રવેશ ફી વિના એન્ટ્રી મેળવી શકે છે. આજથી 10 દિવસ માટે રાણકીવાવમાં પ્રવેશ ફ્રી કરવામાં આવ્યો છે જે જાણીને પ્રવાસીઓને ઘણા ખુશ થાય છે. પાટણની રાણકી વાવ ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત આ સ્મારક છે. સામાન્ય રીતે ત્યાં પ્રવેશ કરવા માટે ટિકિટ લેવી પડતી હોય છે. પણ હાલ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ મોદી સરકારે 10 દિવસ માટે ત્યાં પ્રવેશ ફ્રી કર્યો છે. પાટણ જિલ્લાના મુખ્યમથક પાટણ શહેરની ઉત્તર પશ્વિમે બે કિલોમીટર દૂર સરસ્વતી નદીના કિનારે આ વાવ આવેલી છે. મહત્વનું છે કે ગુજરાતના ફરવા લાયક સ્થળોમાં (Places to see in Gujarat) આ હેરિટેજ સાઈટ વિશ્વમાં પણ પ્રખ્યાત છે.