ટ્રાવેલિંગ દરમિયાન ફોટોગ્રાફી કરવી દરેકને ગમે છે. કહેવાય છે કે ફોટોગ્રાફી કોઈ પણ ચીજની સુંદરતા બોલ્યા વગર જ કહી દે છે. સોશિયલ મીડિયાથી લઈને ટુરિઝમને પ્રમોટ કરવા માટે પણ ફોટોગ્રાફી મહત્વની બની છે. પરંતુ જો તમે સોલો ટ્રીપ પર જઈ રહ્યા છો તો પછી ફોટો ક્લિક કરવા મુશ્કેલ કામ બની જાય છે. અને જો તમે ફોટા પાડશો તો પણ માત્ર સેલ્ફી જ કે પછી કોઈ પણ સ્થળના હશે, જેમાં તમે નહીં હોય. ત્યારે અમે તમારા માટે લાવ્યા છીએ એવી ટિપ્સ જેનાથી તમે ફરવાના સ્થળે સુંદર ફોટા ક્લિક કરી શક્શો.
સેલ્ફી કેમેરા રહેશે બેસ્ટ
સોલો ટ્રિપ પર સારી સારી જગ્યાઓની સાથે પોતાના ફોટો પાડવા માટે તમારી મદદ કરશે સેલ્ફી કેમેરા કે ફોન. જેનાથી તમે કોઈની પણ મદદ માગ્યા વગર ફોટા પાડી શક્શો.
ટૂર ગાઈડ કે હોસ્ટની લો હેલ્પ
સોલો ટ્રીપ પર તમારા ફોટોઝ ક્લિક કરવા માટે તમે ટૂર ગાઈડ કે હોસ્ટની પણ મદદ લઈ શકો છો. મોટાભાગની જગ્યાએ ટૂર ગાઈડ હાજર હોય છે, જે તમને જે તે જગ્યા વિશે માહિતી આપે છે. સાથે જ તે તમારા ફોટો પાડવામાં પણ મદદ રૂપ થઈ શકે છે. તમે એકવાર પૂછશો તો તેઓ ના તો નહીં જ પાડે. આ ઉપરાંત જાણીતી જગ્યાઓએ ફોટોગ્રાફર્સ પણ રહેતા જ હોય છે. જે તમારો ફોટો પાડીને તરત જ આપે છે. બસ તમારે તેમનો ચાર્જ ચૂકવવો પડશે.
સ્થાનિક ફોટોગ્રાફર્સની લો મદદ
જો તમે ટ્રાવેલ બ્લોગિંગ કરો છો, તો ટ્રીપ દરમિયાન તમારા માટે ફોટોગ્રાફી મહત્વની છે. કારણ કે ફોટોગ્રાફી દ્વારા જ જે તે સ્થળની સુંદરતા એઝ ઈટ ઈઝ દર્શાવી શકાય છે. આ માટે તમે લોકલ જાણીતા ફોટોગ્રાફર્સ સાથે ચર્ચા કરી શકો છો. કેટલીકવાર સોલો ટ્રાવેલિંગ દરમિયાન બીજા સોલો ટ્રાવેલર્સ પણ મળી જાય છે. તમે એકબીજા સાથે વાત કરીને પણ એકબીજાની મદદ લઈ શકો છો.
કેમેરા, ટ્રાઈપોડ અને ટાઈમર
આજકાલ જાતભાતના કેમેરા અને એસેસરીઝ અવેઈલેબલ છે. આવી જ એક એસેસરી છે ટ્રાઈપોડ. ટ્રાઈપોડ પર તમે કેમેરાને ફિક્સ કરી ફોટા પાડી શકો છો. તમે જરૂરિયાત અનુસાર ટ્રાઈપોડ ખરીદી શકો છો. પછી તમારે જ્યાં ફોટો પાડવો છે. ત્યાં ટ્રાઈપોડ પર કેમેરા સેટ કરો. ટાઈમર ગોઠવો અને કેમેરા સામે ઉભા રહી જાવ. કેટલાક કેમેરામાં રિમોટનો ઓપ્શન પણ હોય છે. આ ટ્રીકની મદદથી તમારે કોઈની હેલ્પ માગવાની જરૂર નહીં પડે.