વરસાદ બાદ ડાંગ જિલ્લાનો નજારો બન્યો આહલાદક
નદીઓમાં નવા નીરની સાથે વગડો બન્યો લીલોછમ
સહેલાણીઓ મણિ રહ્યા છે વરસાદની મજા
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ખુશનુમા વાતાવરણ છવાયું છે. સાપુતારાનું વાતાવરણ ખુશનુમા બનતા ગિરીમથક સાપુતારામાં શનિ, રવિની રજા માણવા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટવાની શક્યતા છે. હાલ આખો ડાંગ જિલ્લો ઘણો જ અહલાદક લાગી રહ્યો છે. વરસાદ બાદ આ વિસ્તારમાં ફરવાની મઝા જ કાંઇ ઔર છે. અત્યારે પણ સહેલાણીઓ ઝરમર વરસાદમાં ભીંજાતા જોવા મળી રહ્યા છે. ગુજરાત કી આંખો કા તારા સાપુતારા હાલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. જેથી તે સહેલાણીઓ માટે આકર્ષણ કેન્દ્ર બન્યું છે.
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે જૂન મહિનાનાં પ્રારંભથી જ મેઘ મહેર થઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી યથાવત્ રહેતા સમગ્ર પંથકોનું વાતાવરણ ખુશનુમા બન્યુ છે. ડાંગ જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાની ઋતુનું આગમન થતા આદિવાસી ખેડૂતો ચાલુ વર્ષે ખેતીની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે. ડાંગ જિલ્લામાં સતત થઇ રહેલા વરસાદને કારણે માહોલ જામ્યો છે.
ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણી થઈ જવા પામ્યું હતુ. જેને પગલે ધરતીપુત્રો ભાવવિભોર થઈ ઉઠ્યા હતા.તેમજ ગિરિમથક સાપુતારાની સહેલગાહે આવેલા સહેલાણીઓએ બદલાયેલા મૌસમના મિજાજમાં વરસાદી ઝાપટું પડ્યા બાદ ગિરીકન્દ્રામાં ગાઢ ધૂમમ્સ છવાતા આહલાદક માહોલનો ભરપૂર આનંદ માણ્યો હતો.
હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. જ્યારે કેટલાક તાલુકાઓ હજી કોરાધાકોર છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 105 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં જૂનાગઢના માણાવદરમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.દરિયાઈ વિસ્તારમાં દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઇ છે.