ઘણી વાર ઍરલાઇન્સની બેજવાબગારીને કારણે લગેજ મિસિંગ થઇ જાય છે
આવું ઇન્ડિયામાં જ નહીં, પરંતુ દુનિયાના દરેક દેશમાં થાય છે
કેટલાંક ગૅજેટ્સ ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરી લગેજ શોધી શકાય
આપણે ઘણી વાર સાંભળતા હોઈએ છીએ કે ઍરલાઇન્સની બેજવાબગારીને કારણે લગેજ મિસિંગ થઈ ગયું હતું. શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, દિયા મિર્ઝા, પૂજા હેગડે, સોનમ કપૂર અને સોનાક્ષી સિંહા જેવી ઘણી સેલિબ્રિટીઝ સાથે પણ આવું થયું છે. દીપિકા પાદુકોણની બૅગ ચાર વાર ખોવાઈ ગઈ છે તો સોનાક્ષીની બૅગ મળી તો ત્યારે એ ડૅમેજ પણ થઈ ગઈ હતી. સેલિબ્રિટીઝ જ નહીં, સામાન્ય વ્યક્તિ સાથે પણ આવું થાય છે. થોડા સમય પહેલાં એક સ્ટુડન્ટે ઇન્ડિગોની ફ્લાઇટ પકડી હતી, પરંતુ ઍરલાઇન્સ દ્વારા થયેલા પ્રૉબ્લેમને કારણે તેણે પોતાની હૉસ્ટેલમાં પહોંચવા માટે ઇન્ડિયાનાં ચાર જુદાં-જુદાં ઍરપોર્ટની મુલાકાત લેવી પડી હતી અને એ પણ ૨૪ કલાકની અંદર. જોકે આખરે તે તેના ડેસ્ટિનેશન પર પહોંચી ત્યારે તેનું લગેજ જ નહોતું. જોકે તેના પ્રૉબ્લેમ એવિએશન મિનિસ્ટરની નજરમાં આવતાં તેમણે મદદ કરી હતી.
આવું ઇન્ડિયામાં જ નહીં, પરંતુ દુનિયાના દરેક દેશમાં થાય છે. એક પૅસેન્જરનાં લગ્ન હતાં અને તેનાં લગ્નનો ડ્રેસ ફ્લાઇટમાં મિસિંગ થઈ ગયો હતો, પરંતુ અન્ય એક પૅસેન્જરની ચતુરાઈથી એ મળી ગયો હતો. એ દુલ્હનને ટાઇમ પર એ ડ્રેસ મળી ગયો હતો. એક વ્યક્તિનું લગેજ ૨૮ દિવસથી મિસિંગ હતું અને તેણે કૉલ્સ અને ઍરપોર્ટ પર જઈને ઇન્ક્વાયરી કરવા પાછળ ૪૦ હજાર રૂપિયાથી વધુનો ખર્ચ પણ કરી દીધો હતો. એક વ્યક્તિનું લગેજ મિસિંગ થઈ ગયું હતું અને એને શોધવા માટે તેણે ઍરલાઇન્સની વેબસાઇટ જ હૅક કરી દીધી હતી.
થોડા સમય પહેલાં જ લંડનના હીથ્રો ઍરપોર્ટ પર હજારો બૅગ મિસ થતાં ધમાલ થઈ ગઈ હતી. ડેલ્ટા ઍરલાઇન્સ દ્વારા એક હજારથી વધુ બૅગ ફ્લાઇટમાં લઈને આવ્યું હતું. આ ફ્લાઇટમાં એક માણસથી પણ બેસાય એટલી જગ્યા નહોતી, કારણ કે દરેક જગ્યા પર લગેજ જ હતું. લગેજ મિસિંગ થતાં લોકોને ઘણી પરેશાની ઉઠાવવી પડે છે અને કેટલાક માથાભારે લોકો તેમનો લગેજનો શોધવા માટે અળવિતરાં કામ પણ કરતા હોય છે. જોકે આ લગેજને શોધવા માટેનો એક ખૂબ જ સરળ રસ્તો છે. આ માટે કેટલાંક ગૅજેટ્સ ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરી શકાય છે અને એ એટલાં મોંઘાં પણ નથી. જ્યારે પણ લગેજ ખોવાય કે ઍપ ઓપન કરીને એનું છેલ્લું લોકેશન અથવા તો એ ગૅજેટ્સ બૅગમાં જ હોય તો લાઇવ લોકેશન પણ જાણી શકાય છે. આ માટેનાં ગૅજેટ્સ પર નજર કરીએ.
સૅમસંગ ગૅલેક્સી સ્માર્ટ ટૅગ
સૅમસંગ ગૅલેક્સી સ્માર્ટ ટૅગનો પણ ઉપયોગ કરી શકાય છે. આ ટૅગની કિંમત ૨૪૦૦ની આસપાસ છે, પરંતુ ઍમેઝૉન પર એ હાલમાં ઑફરને કારણે ૧૧૪૯ રૂપિયામાં છે. આ ટૅગ પણ ઍપલની જેમ તેમના ગૅલેક્સી નેટવર્કનો ઉપયોગ કરે છે. મોબાઇલ અને ટૅગ રેન્જમાં ન હોય તો પણ ગૅલેક્સી ફાઇન્ડ નેટવર્કનો ઉપયોગ કરીને લોકેશન શોધી શકાશે પછી એ દુનિયાના કોઈ પણ ખૂણામાં કેમ ન હોય. આ સાથે જ આ ટૅગ ઇન્ટરનેટ ઑફ થિંગ્સમાં આવતાં ઘણાં ડિવાઇસ સાથે પણ કનેક્ટ થઈ શકે છે. એટલે કે સ્માર્ટ હોમ હોય તો ટૅગનો ઉપયોગ કરી શકાય છે. આ ટૅગ રેન્જમાં આવતાં જ ઘરની લાઇટ અથવા તો એસી કે અન્ય કોઈ પણ વસ્તુ જે ઇન્ટરનેટ ઑફ થિંગ્સ સાથે કનેક્ટ હશે એને ચાલુ અથવા બંધ કરી શકાય છે. આ ટૅગમાં પણ વૉઇસ અલર્ટ આવે છે. જોકે કનેક્ટિવિટીની વાત હોય ત્યારે ટાઇલ અને સૅમસંગ ગૅલેક્સી સમાર્ટ ટૅગ કરતાં ઍપલ આગવું સ્થાન ધરાવે છે.
ઍપલ ઍર ટૅગ
ઍપલ ઍર ટૅગની ઑફિશ્યલ વેબસાઇટ પર એક ટૅગની કિંમત ૩૧૯૦ અને ચાર ટૅગ સાથે ખરીદો તો ૧૦,૯૦૦ છે. ઍમેઝૉન પર એક ટૅગની કિંમત ૨૯૯૯ છે. આ ઍર ટૅગ એકદમ નાનું આવે છે અને એ લગેજમાં મૂકી દેવામાં આવે છે. આ ટૅગમાં GPS નથી હોતું, પરંતુ એ એપલના ફાઇન્ડ માય નેટવર્ક પર આવેલા દુનિયાભરનાં કરોડો-અરબો ડિવાઇસનો ઉપયોગ કરે છે. આ લગેજની આસપાસ કોઈ પણ ઍપલની પ્રોડક્ટ આવે તો એ તરત જ લોકેશનને ક્લાઉડ પર મોકલી આપે છે અને એને કારણે લોકેશનની અપડેટ મળતી રહે છે. ફાઇન્ડ માય ઍપની મદદથી રિયલ ટાઇમ લોકેશન પણ મેળવી શકાય છે. આ ઍર ટૅગ લોકેશન દેખાડવાની સાથે સાઉન્ડ દ્વારા પણ અલર્ટ કરે છે. જોકે લગેજ ક્યાં છે એ ખબર પડ્યા બાદ પણ ઍરલાઇન્સ દ્વારા જ એ રિકવર કરી શકાય છે. આથી ઍરલાઇન્સને પણ મદદ મળી શકે છે. ઘણી વાર લગેજથી ભરેલા રૂમમાં કઈ બૅગ કોની છે એ જાણવા માટે અને નામ ચેક કરવામાં પણ સમય લાગી જાય છે. જોકે સાઉન્ડ અલર્ટને કારણે બૅગ થોડી જ મિનિટમાં શોધી શકાય છે.
ટાઇલ
ટાઇલ ટ્રૅકરની શરૂઆત ચાર હજારથી થાય છે અને એ જુદા-જુદા શેપ અને સાઇઝમાં આવે છે. જે પ્રકારની જરૂરિયાત એ પ્રકારનું ટ્રેકર લઈ શકાય છે. લગેજ માટેથી લઈને ડૉગ ક્યાં છે એ ટ્રૅક કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. આ ટૅગ બ્લુટૂથ અને GPS બન્નેમાં આવે છે. બ્લુટૂથ અથવા તો ૪૦૦ ફીટ સુધીની રેન્જમાં હોય ત્યારે એને શોધી શકાય છે. જો યુઝરની બૅગ ખૂબ જ દૂર હોય ત્યારે આ ટૅગનો ઉપયોગ કરનાર અન્ય વ્યક્તિ તેના મોબાઇલ સાથે એ બૅગની નજીક જશે ત્યારે એનું લોકેશન ક્લાઉડ પર સ્ટોર થઈ જશે. જોકે ઍપલના ડિવાઇસમાં કોઈ પણ ડિવાઇસનો ઉપયોગ થઈ શકે છે. ટાઇલ ટ્રૅકરમાં નૉન- રિપ્લેસેબલ બૅટરી આવે છે અને એ ત્રણ વર્ષ સુધી ચાલે છે અને રિપ્લેસેબલ બૅટરીવાળા ટૅગની એક વર્ષની અંદર બૅટરી બદલવી પડે છે.