બુધવારે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઑગસ્ટ મહિનાની સરખામણીમાં ઑક્ટોબર મહિનામાં સ્પામ કૉલ્સ અને અનિચ્છનીય MMS સામે લગભગ 20 ટકા ઘટાડો નોંધવામાં આવ્યો હતો.
સ્પામ કૉલ્સ અને સંદેશાઓમાં ઘટાડો
લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ઓક્ટોબર મહિનામાં સ્પામ કોલ અને એસએમએસને લઈને લગભગ 1.51 લાખ ફરિયાદો નોંધાઈ હતી. જો સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો આ મહિને લગભગ 1.63 લાખ ફરિયાદો નોંધાઈ હતી. ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં લગભગ 13 ટકા ઓછા કેસ નોંધાયા હતા.
TRAI એ 13 ઓગસ્ટ, 2024 ના રોજ નિર્દેશો જારી કર્યા હતા, જેમાં જણાવ્યું હતું કે કોઈપણ એન્ટિટી નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રમોશનલ વૉઇસ કૉલ્સ કરતી જોવા મળશે તો તેને સખત પરિણામોનો સામનો કરવો પડશે. આમાં તમામ ટેલિકોમ સંસાધનોને કાપી નાખવા, બે વર્ષ સુધી બ્લેકલિસ્ટિંગ અને બ્લેકલિસ્ટિંગ સમયગાળા દરમિયાન નવા સંસાધન ફાળવણી પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.
ટ્રાઈએ કડક સૂચના આપી છે
ટ્રાઈની આ કડક સૂચના બાદ ટેલિકોમ કંપનીઓ દ્વારા સ્પામ કોલ અને અનિચ્છનીય મેસેજને રોકવા માટે ઘણા કડક પગલાં લેવામાં આવ્યા હતા. TRAI એ 20 ઓગસ્ટે ટેલિકોમ કંપનીઓને મેસેજ ટ્રેસિબિલિટી વધારવા માટે સૂચના આપી હતી. આ માટે તમામ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ 1 નવેમ્બર 2024 સુધીમાં ટેક્નિકલ સોલ્યુશન લાગુ કરવાનું હતું.
જોકે, કંપનીઓએ TRAI પાસે મેસેજ ટ્રેસિબિલિટી અને નવી ટેક્નોલોજી લાગુ કરવા માટે વધુ સમય માંગ્યો હતો. ટેલિકોમ કંપનીઓની માંગને સ્વીકારીને ટ્રાઈએ આ માટે છેલ્લી તારીખ 30 નવેમ્બર 2024 નક્કી કરી હતી. ઓનલાઈન છેતરપિંડી અને સ્પામ કોલથી રાહત આપવા માટે TRAI દ્વારા લેવામાં આવેલા પગલાના પરિણામો દેખાવા લાગ્યા છે. આવી સ્થિતિમાં હવે આશા રાખી શકાય છે કે આવનારા સમયમાં સ્પામ કોલથી સંપૂર્ણ રાહત મળી શકે છે.