હાલ જુદા-જુદા ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે મેડિકલ સેક્ટરમાં પણ તેનો ઉપયોગ વધ્યો છે અને તેના માટે સંશોધન પણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં એક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, AI દ્વારા માત્ર 10 સેકન્ડમાં જ ખબર પડશે કે ડાયાબિટીસ છે કે નહીં. આ ટેક્નોલોજી દ્વારા ટાઈપ 2 ડાયાબિટીસને શોધવાનું સરળ બનશે.
અવાજ સાંભળીને ડાયાબિટીસનું પરીક્ષણ
જો સંશોધન સફળ થશે આ તો લોકોને બ્લડ સુગર લેવલ ટેસ્ટ માટે લેબમાં કે ગ્લુકોમીટર પર રૂપિયા ખર્ચવા પડશે નહીં. AI દ્વારા દર્દીનો અવાજ સાંભળીને ડાયાબિટીસનું પરીક્ષણ કરવામાં આવશે. આ સંશોધન હેઠળ, બ્લડ સુગર લેવલ શોધવા માટે વોઈસ સેમ્પલનો ઉપયોગ થશે.
વોઇસ રેકોર્ડિંગની જરૂરિયાત રહેશે
મેડિકલ જર્નલ ‘મેયો ક્લિનિક પ્રોસિડિંગ્સઃ ડિજિટલ હેલ્થ’ માં પ્રકાશિત થયેલા સંશોધન અનુસાર, વ્યક્તિને ટાઇપ 2 ડાયાબિટીસ છે કે નહીં તે તપાસવા માટે એક વોઇસ રેકોર્ડિંગની જરૂરિયાત રહેશે. ખાસ વાત એ છે કે, સંશોધનના રિઝલ્ટ એકદમ સચોટ સામે આવ્યા છે.
AI દ્વારા થશે ડાયાબિટીસની તપાસ
દુનિયામાં લગભગ 24 કરોડ પુખ્ત લોકો ડાયાબિટીસથી પીડાય છે અને તેઓને તેની જાણ પણ હોતી નથી. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન મૂજબ લગભગ 90 ટકા કેસ ટાઇપ 2 ડાયાબિટીસના છે. આ લોકોને હૃદય
રોગ, હૃદયરોગનો હુમલો, સ્ટ્રોક અને પગ તેમજ અંગૂઠામાં નબળા રક્ત પરિભ્રમણનું જોખમ રહેલું છે.
આવી રીતે કરવામાં આવે છે AI ટેસ્ટ
AI 6 થી 10 સેકન્ડ વચ્ચેની વોઇસ રેકોર્ડિંગને સ્ક્રીન કરે છે. જે વોકલ પિચ અને તીવ્રતામાં તફાવત શોધે છે. ઉંમર, જેન્ડર, ઊંચાઈ અને વજન જેવા મૂળભૂત હેલ્થ ડેટા સાથે, તે અનુમાન કરી શકે છે કે બોલનાર વ્યક્તિને ટાઈપ 2 ડાયાબિટીસ છે કે નહીં. આ ટેસ્ટ દ્વારા સચોટ રિઝલ્ટ મળે છે, પરંતુ જેન્ડરના આધારે થોડા અલગ છે.
મેલ અને ફીમેલ વચ્ચે અવાજમાં તફાવત હોવાને કારણે મહિલાની તપાસ કરતી વખતે ટેસ્ટ 89 ટકા સચોટ હતા. પુરુષોના કેસમાં ટેસ્ટ 86 ટકા સચોટ હતા. AI ને ટ્રેનિંગ આપવા માટે, કેનેડાની ઓન્ટારિયો ટેક યુનિવર્સિટીમાં જેસી કોફમેન અને તેમની ટીમે 267 લોકોના અવાજો રેકોર્ડ કર્યા હતા. આ લોકોમાં જેમને ડાયાબિટીસ નથી અથવા તેઓ પહેલાથી જ ટાઇપ 2 ડાયાબિટીસથી સાજા થઈ ગયા છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.