- ગુજરાતમાં 6 મહિનામાં 25 લાખથી વધુ લોકોએ મોબાઇલ છોડ્યો
- તમામ સર્વિસ પ્રોવાઇડર્સના સબસ્ક્રાઇબર્સ ઘટ્યાં
- ભારતમાં સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા 2026 સુધીમાં 100 કરોડથી વધુ હશે : સ્ટડી
ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં વાયરલેસ ટેલિકોમ સબ્સક્રાઇબર એટલે કે મોબાઇલ ફોન યૂઝર્સની સંખ્યામાં 25 લાખથી વધુનો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં જૂન 2021માં 7 કરોડ યૂઝર્સ હતા જેમાંથી ઘટી ડિસેમ્બરમાં તે સંખ્યા 6.74 કરોડ થઈ ગઈ છે. આ 6 મહિનાના ગાળામાં તમામ સર્વિસ પ્રોવાઇડરના સબ્સક્રાઇબરમાં ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ સબ્સક્રાઇબર વોડાફોન-આઇડિયાના 9.95 લાખ ઘટ્યા જ્યારે સૌથી ઓછા બીએસએનએલના 2.10 લાખ ઘટ્યા છે. રિલાયન્સ જિઓના 9.21 લાખ સબ્સક્રાઇબર ઘટ્યા હોવા છતાં હજુ પણ તે રાજ્યમાં સૌથી વધુ ગ્રાહક સંખ્યા ઘરાવતી સર્વિસ પ્રોવાઇડર કંપની છે.
સમાન સમયગાળામાં દેશમાં પણ મોબાઇલ યૂઝર્સમાં ધરખમ 2.62 કરોડનો ઘટાડો નોંધાયો છે. શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ઘટાડો સામાન્ય વધુ છે. દેશમાં જૂનમાં 118.08 કરોડ સબ્સક્રાઇબર હતા જ્યારે ડિસેમ્બરમાં તે 115.46 કરોડ થઈ ગયા છે. બીજી તરફ, ભારતમાં વર્ષ 2026 સુધીમાં 100 કરોડ સ્માર્ટફોન યૂઝર્સ હશે અને ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ સક્ષમ ફોન વેચવામાં આવશે. ડેલૉઇટના એક અધ્યયન મુજબ દેશમાં 2021માં લગભગ 75 કરોડ સ્માર્ટફોન યૂઝર્સ હતા. આગામી પાંચ વર્ષમાં ભારત દુનિયાનું બીજું સૌથી વધુ સ્માર્ટફોન નિર્માતા બનવા માટે તૈયાર છે. ડેલૉઇડના 2022 ગ્લોબલ ટીએમટીનું અનુમાન છે કે 2026 સુધી સ્માર્ટફોન બજાર 100 કરોડ યૂઝર્સ સુધી પહોંચશે.
આ વૃદ્ધિ 2021 અને 2026ની વચ્ચે શહેરી વિસ્તારોમાં 2.5 ટકાની વૃદ્ધિની તુલનામાં ગ્રામ્ય વિસ્તારોમાં 6 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરથી સંચાલિત થવાની આશા છે. ઇન્ટરનેટને અપનાવવાથી સ્માર્ટફોનની માંગ વધવાની આશા છે, તે વધતી માંગ ફિનટેક, ઇ-વેલ્થ અને ઇ-લર્નિંગને અપનાવવાની જરૂરિયાતથી પ્રેરિત છે. ભારતનેટ કાર્યક્રમ હેઠળ 2025 સુધી તમામ ગામોને ફાઇબર-ઓપ્ટ કરવાની સરકારની યોજના ગ્રામ્ય માર્કેટમાં ઇન્ટરનેટ-સક્ષમ ઉપકરણોને પણ પ્રોત્સાહન આપશે. ડેલૉઇટના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2026માં શહેરી માર્કેટમાં 95 ટકા ફેરફાર નવા સ્માર્ટફોનમાં હશે જ્યારે 2021માં માત્ર 5 ટકા પ્રી-ઓન્ડ ફોન હશે જ્યારે ક્રમશ: 75 ટકા અને 25 ટકા ફેરફાર હશે. દેશમાં સ્માર્ટફોનની માંગ 2021માં 30 કરોડથી વધીને 2026માં 40 કરોડ સુધી, 6 ટકાની વૃદ્ધિની આશા છે. 5જી નેટવર્કના લૉન્ચ બાદ મોબાઈલ યુઝર્સમાં વધુ નોંધાવાની આશા છે. તેના કારણે 80 ટકા ડિવાઇસ એટલે કે અંદાજિત 31 કરોડ યૂનિટ 2026 સુધીમાં 5જી સપોર્ટવાળા હશે.