આધાર કાર્ડ આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. બેંકથી લઈને જોબ વેરિફિકેશન સુધી દરેક જગ્યાએ તેની જરૂર છે. જો આપણે થોડી પણ ભૂલ કરીએ તો આપણો ઘણો અંગત ડેટા ચોરાઈ શકે છે. હવે UIDAI એટલે કે યુનિક આઈડેન્ટિટી ઓફ ઈન્ડિયાએ આધાર કાર્ડ યુઝર્સને એલર્ટ જાહેર કર્યું છે. UIDAIનો આ ચેતવણી સંદેશ સતત વધતા કૌભાંડો અને છેતરપિંડી સામે ચેતવણી આપવા માટે જારી કરવામાં આવ્યો છે.
UIDAIએ એલર્ટમાં કહ્યું છે કે તે નાગરિકોને ક્યારેય વોટ્સએપ અથવા ઈમેલ પર આધાર અપડેટ કરવા માટે ડોક્યુમેન્ટ્સ શેર કરવાનું કહેતું નથી.
વાસ્તવમાં, છેલ્લા કેટલાક દિવસોમાં, આવા ઘણા છેતરપિંડી અને કૌભાંડના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં સ્કેમર્સ સોશિયલ મીડિયામાં તેમના આધાર કાર્ડને અપડેટ કરવા માટે લોકોની વ્યક્તિગત માહિતી માંગી રહ્યા છે અને પછી લોકોને છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા છે. આ બાબતો પર ધ્યાન આપતા UIDAIએ એલર્ટ જાહેર કર્યું છે.
ટ્વિટર એટલે કે X પર એક તાજેતરની પોસ્ટ દ્વારા, એજન્સીએ કહ્યું કે તે ક્યારેય WhatsApp, ઈમેલ અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નાગરિકો પાસેથી આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ અથવા વ્યક્તિગત માહિતીની માંગણી કરતી નથી. એજન્સીએ કહ્યું કે જો તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો અથવા આધાર સંબંધિત અન્ય માહિતી મેળવવા માંગો છો, તો તમારા નજીકના આધાર કેન્દ્ર પર જાઓ અથવા UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.