ભારતીય ખેલાડીઓના શાનદાર દેખાવનો ક્રમ યથાવત્ રહ્યો
શૂટિંગ વર્લ્ડકપમાં પણ ભારતને ગોલ્ડન સફળતા મળી
ભારતે ૧૦ મીટર એર રાયફલમાં ગોલ્ડ મેડલ જીતી લીધો
ભારતીય ખેલાડીઓના શાનદાર દેખાવનો ક્રમ યથાવત્ રહ્યો છે. બેડમિન્ટનમાં થોમસ કપ, તિરંદાજીમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ બાદ હવે શૂટિંગ વર્લ્ડકપમાં પણ ભારતને ગોલ્ડન સફળતા મળી છે. બાકુ ખાતે યોજાઇ રહેલા આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડકપમાં ભારતે ૧૦ મીટર એર રાયફલમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
ગુજરાતની એલાવેનિલ વેલારિવન, રમિતા અને શ્રેયા અગ્રવાલે ડેન્માર્કની એના નિલ્સન-એમા કોચ-રિકી ઈબ્સનને ૧૭-૫થી હરાવી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. અઝરબૈજાનના બાકુ ખાતે યોજાઇ રહેલા શૂટિંગ વર્લ્ડકપમાં ભારતનો આ સૌપ્રથમ ગોલ્ડ મેડલ છે. ભારતીય શૂટર્સે કુલ ૯૦ શોટ્સમાં ૯૪૪.૪ના સ્કોર સાથે ક્વોલિફાઇ કર્યું હતું. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ડેન્માર્ક પ્રથમ જ્યારે ભારત બીજા સ્થાને રહ્યું હતું. ફાઇનલમાં ભારતે પ્રભાવશાળી દેખાવ કરીને ડેન્માર્કને કોઇ તક આપી નહોતી. પોલેન્ડને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
બીજી તરફ મેન્સ એર રાયફલમાં ભારતના રૃદ્રાંક્ષ પાટિલ, પાર્થ મખીજા, ધનુશ શ્રીકાંત બ્રોન્ઝ મેડલ ચૂકી ગયા હતા. બ્રોન્ઝ મેડલની મેચમાં ભારતના શૂટર્સનો ક્રોએશિયા સામે ૧૦-૧૬થી પરાજય થયો હતો. શૂટિંગ વર્લ્ડકપના મેડલ ટેબલમાં ભારત ૧ ગોલ્ડ સાથે પાંચમાં સ્થાને છે. કોરિયા ૩ ગોલ્ડ-૧ બ્રોન્ઝ સાથે મોખરે, સર્બિયા બે ગોલ્ડ-૧ સિલ્વર-૧ બ્રોન્ઝ સાથે બીજા, પોલેન્ડ ૧ ગોલ્ડ-૧ સિલ્વર-બે બ્રોન્ઝ સાથે ત્રીજા જ્યારે ફ્રાન્સ ૧ ગોલ્ડ-૧ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ સાથે પાંચમાં સ્થાને છે. ભારતે શૂટિંગ વર્લ્ડકપ માટે કુલ ૧૨ શૂટર્સ મોકલ્યા છે.