ભારત 90 વર્ષમાં ઇતિહાસ રચવાના આરે
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ આજે
બુમરાહના દ્રવિડની કોચિંગમાં ભારતનો પાંચમો ટેસ્ટ કેપ્ટન રહેશે
ટીમ ઈન્ડિયા શુક્રવારથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ બર્મિંગહામના એઝબેસ્ટનમાં જ્યારે પાંચમી ટેસ્ટ રમવા ઉતરશે ત્યારે આ તેની ઈતિહાસમાં સૌથી લાંબી ટેસ્ટ સીરિઝ રહેશે. 5 મેચની આ સીરિઝ ગત વર્ષે જુલાઈમાં શરૂ થઈ હતી, જોકે સપ્ટેમ્બરમાં 4 ટેસ્ટ બાદ જ સીરિઝ સ્થગિત કરાઈ હતી. ભારતીય ટીમ સીરિઝમાં 2-1થી આગળ છે. જો ટીમ ટેસ્ટ ડ્રો પણ કરાવી લે તો ઈંગ્લેન્ડમાં પ્રથમવાર 5 મેચની સીરિઝ 2-1થી આગળ છે.
આ વખતે સીરિઝની પ્રથમ મેચ ડ્રો રહી હતી. તે પછી બીજી અને ચોથી ટેસ્ટ ભારતે તથા ત્રીજી ટેસ્ટ ઈંગ્લેન્ડે જીતી હતી. જોકે આ ગત વર્ષની વાત છે. બંને ટીમોમાં ઘણા ફેરફાર આવ્યા છે. ઈંગ્લેન્ડ પાસે નવો કેપ્ટન સ્ટોક્સ અને નવો કોચ મેક્કુલમ છે, ભારત પાસે નવા કોચ દ્રવિડ અને નવો કેપ્ટન રોહિત છે, જોકે રોહિતને કોરોના થતા બુમરાહ કેપ્ટન રહેશે.
જો ટીમ અંતિમ ટેસ્ટ ડ્રો કરે તો પણ ટીમ સીરિઝ જીતી લેશે. બંને ટીમો 90 વર્ષના ઈતિહાસમાં 3 વખત 5 મેચની સીરિઝ રમી છે, પરંતુ ટીમ ઈન્ડિયા ક્યારેય સીરિઝ જીતી નથી. 1959માં ભારતે પાંચેય ટેસ્ટ ગુમાવી હતી, જ્યારે 2014માં ધોનીની કેપ્ટન્સીમાં ટીમ 3-1થી હારી હતી તથા 2018માં કોહલીની કેપ્ટન્સીમાં 1-4થી હાર્યા હતા.
રોહિત વર્ષના પ્રારંભથી ટીમ ઈન્ડિયા માટે ઘણી ઓછી મેચ રમી શક્યો છે. ઈજા અને બીમારીને કારણે તેણે ઘણી મેચ ગુમાવી છે. રોહિતે ગત અમુક વર્ષોમાં SENA (દ.આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા) દેશોમાં ઘણી મેચ ગુમાવી છે. તે માર્ચ 2020માં ન્યૂઝીલેન્ડમાં ઈજાગ્રસ્ત થયો હતો. 2020-21માં ઓસ્ટ્રેલિયા પ્રવાસે ઈજાને કારણે 2 ટેસ્ટ રમી શક્યો નહોતો. પછી 2021-22માં ઈજાને કારણે દ.આફ્રિકાનો પ્રવાસ ચૂક્યો હતો. રોહિતની ઈજા અને બીમારીની અનિશ્ચિતતાને કારણે જ તે પોતાના નેતૃત્ત્વમાં સ્થિરતા હાંસલ કરી શક્યો નથી.
રોહિતની ગેરહાજરીમાં બુમરાહને કેપ્ટન્સી સોંપવામાં આવી છે. જ્યારે પંત વાઈસ કેપ્ટન રહેશે. બુમરાહ દ્રવિડના કોચ બન્યા બાદ 8 ટેસ્ટમાં ભારતનો પાંચમો કેપ્ટન રહેશે. તેની પહેલા રહાણે, કોહલી, રાહુલ, રોહિત તેમની કોચિંગમાં કેપ્ટન રહ્યા છે. બુમરાહ ગત વર્ષના ટી-20 વર્લ્ડ કપ બાદ તમામ ફોર્મેટમાં ભારતનો કુલ સાતમો કેપ્ટન રહેશે. તે 2022માં ભારતનો છઠ્ઠો કેપ્ટન રહેશે. જે એક વર્ષમાં ભારતના સૌથી વધુ કેપ્ટનનો રેકોર્ડ છે. આ અગાઉ 1959માં ભારતીય ટીમ 5 કેપ્ટનના નેતૃત્ત્વ હેઠળ રમી હતી.