હાર્દિક પંડ્યા ટીમમાં પાછો આવે તેવા સંકેતો
ઓલરાઉન્ડર બનવા ખાસ પ્રેક્ટિસ શરૂ કરી;હાર્દિક
ઈન્જરીને કારણે બોલિંગ નહોતો કરી શક્યો
T20 વર્લ્ડ કપ પછી ખરાબ ફિટનેસના કારણે હાર્દિક પંડ્યાને ઈન્ડિયન ટીમમાંથી ડ્રોપ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે અત્યારે તે રિકવર થઈને IPL 2022માં અમદાવાદની ટીમના કેપ્ટન તરીકે મેદાનમાં ઊતરશે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ફિટનેસના સવાલો સામે હાર્દિકે ચુપ્પી તોડી છે. પંડ્યાએ કહ્યું છે કે હું અત્યારે ફિટ છું અને ખાસ પ્રેક્ટિસ સેશન કરી રહ્યો છું. ટીમ ઈન્ડિયામાં જોરદાર કમબેક કરીશ.
હાર્દિક પંડ્યા 2019માં ઇંગ્લેન્ડમાં રમાયેલા વનડે વર્લ્ડ કપથી ઈન્જરી અને ફિટનેસના કારણે મુશ્કેલીમાં મુકાયેલો હતો. તેણે પીઠની સર્જરી પણ કરવવી પડી હતી, તેમ છતા હાર્દિક બોલિંગ કરી શકે એવી ફિટનેસ મેળવી શક્યો નથી. જોકે IPLની 14મી સિઝનમાં તેણે બોલિંગ કરી હતી. પરંતુ T20 વર્લ્ડ કપ પછી ઈન્જરીના કારણે તેને ટીમમાંથી ડ્રોપ કરાયો છે. હાર્દિક પંડ્યાએ કહ્યું છે કે હું ઓલરાઉન્ડર તરીકે જ ટીમમાં રમવા માગુ છું. અત્યારે એના માટે ખાસ ટ્રેનિંગ પણ લઈ રહ્યો છે અને પહેલા કરતા મારી ફિટનેસ ઘણી સારી છે. હવે તો સમય જ સૂચવશે કે આગળ શું થશે.
હાર્દિક પંડ્યાએ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે મેં ધોનીથી ઘણો બોધપાઠ લીધો છે. તે હંમેશા મારા સપોર્ટમાં રહ્યા છે અને મને ફ્રિડમ આપતા રહ્યા છે. મેં મારી પહેલી ઈન્ટરનેશનલ મેચની પહેલી ઓવરમાં જ 19 રન આપ્યા હતા. આ દરમિયાન મને લાગ્યું કે આ મારી પહેલી અને છેલ્લી મેચ છે. પરંતુ ધોનીએ મને બોલાવ્યો અને સારું માર્ગદર્શન આપ્યું હતું. અમદાવાદની ટીમના હાર્દિક પંડ્યા પહેલીવાર IPLમાં કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરશે. આ નવી ભૂમિકા અંગે હાર્દિકે કહ્યું છે કે હું ડ્રેસિંગ રૂમમાં હળવું અને મસ્તીભર્યું વાતાવરણ રાખવાનો પ્રયત્ન કરીશ. હું મેદાનમાં મારું બેસ્ટ આપી સારા કેપ્ટન બનવાનું ઉદાહરણ પણ સેટ કરવા માગુ છું. હું ખેલાડીઓને ઘર જેવું વાતાવરણ આપવા માગુ છું.
હાર્દિક પંડ્યા અત્યારે NCAમાં ઈન્જરીથી રિકવર થઈ રહ્યો છે અને આગામી મહિને વેસ્ટ ઈન્ડીઝ સામે હોમ સિરીઝથી ટીમમાં કમબેક કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ સિરીઝની ત્રણેય વનડે મેચ ગુજરાતના અમદાવાદ શહેરમાં રમાવાની છે. તેથી હાર્દિક પંડ્યાને આ મેદાનમાં રમવાનો સારો એવો અનુભવ પણ છે. જેના કારણે તેની પ્લેઇંગ-11માં પસંદગી થવી લગભગ નક્કી છે.