ભારતીય ટીમે ચોથી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 135 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાની દરેક ચાલ એકદમ સાચી હતી. ટોસ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો જે સાચો સાબિત થયો. સંજુ સેમસન અને તિલક વર્માની સદીની મદદથી ભારતીય ટીમ 283 રન બનાવવામાં સફળ રહી હતી. બંનેએ એવી રીતે બેટિંગ કરી જે લાંબા સમય સુધી યાદ રહેશે. આ બંને ખેલાડીઓએ બીજી વિકેટ માટે 210 રનની ભાગીદારી કરી, જે ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે.
T20I કારકિર્દીની બીજી સદી ફટકારી
દક્ષિણ આફ્રિકા સામેની ચોથી T20 મેચમાં તિલક વર્મા ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 47 બોલમાં 9 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 120 રન બનાવ્યા હતા. ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ તેની બીજી સદી છે. તે T20Iમાં સતત બે મેચમાં સદી ફટકારનાર એકંદરે પાંચમો ખેલાડી બની ગયો છે. તેના પહેલા ગુસ્તાવ મેકકોન, રિલે રૂસો, ફિલ સોલ્ટ, સંજુ સેમસન આ કરી ચુક્યા છે. હવે તિલકે આ બેટ્સમેનોની બરાબરી કરી લીધી છે.
કોહલીને પાછળ છોડી દીધો
સદી ફટકાર્યા બાદ તિલક વર્મા હવે ભારતીય ટીમ માટે T20 દ્વિપક્ષીય શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે ભારતીય ટીમના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે. તિલકે આફ્રિકા સામેની T20 દ્વિપક્ષીય શ્રેણીમાં બે સદી સહિત કુલ 280 રન બનાવ્યા છે. જ્યારે કોહલીએ વર્ષ 2021માં ઈંગ્લેન્ડ સામેની T20 દ્વિપક્ષીય શ્રેણીમાં કુલ 231 રન બનાવ્યા હતા. હવે તિલક તેમનાથી ઘણા આગળ નીકળી ગયા છે.
તિલક વર્મા ભારતીય ટીમ માટે T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર ત્રીજા સૌથી ઝડપી બેટ્સમેન બની ગયા છે. તેણે દક્ષિણ આફ્રિકા સામે માત્ર 41 બોલમાં સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયા માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. તેણે વર્ષ 2017માં શ્રીલંકા સામે 35 બોલમાં સદી ફટકારી હતી.
T20Iમાં ભારતીય ટીમ માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેનઃ
- રોહિત શર્મા- 35 બોલ
- સંજુ સેમસન- 40 બોલ
- તિલક વર્મા- 41 બોલ
- સૂર્યકુમાર યાદવ- 45 બોલ
- કેએલ રાહુલ- 46 બોલ