ભારતીય ટીમે ડકવર્થ લુઈસ નિયમનો ઉપયોગ કરીને શ્રીલંકાને બીજી T20 મેચમાં 7 વિકેટે હરાવ્યું છે. આ મેચ જીતીને ભારતીય ટીમે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી T20 મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી શ્રીલંકાએ ભારતને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ભારતીય ઇનિંગ્સના માત્ર ત્રણ બોલ જ ફેંકાયા હતા. આ પછી મેચમાં વરસાદ આવ્યો અને પછી ટીમ ઈન્ડિયાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ મળ્યો. બેટ્સમેનોના જોરદાર પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયાએ આ લક્ષ્યનો સરળતાથી પીછો કર્યો. આ મેચમાં ભારત માટે રવિ બિશ્નોઈ મોટો હીરો સાબિત થયો હતો. તેણે શાનદાર બોલિંગ કરીને ટીમ ઈન્ડિયાને પોતાના દમ પર મેચ જીતાડવી.
ભારતીય બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી
ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. સંજુ સેમસન ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ બાકીના બેટ્સમેનોના પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાએ માત્ર 6.3 ઓવરમાં 81 રન બનાવી લીધા હતા. ટીમ ઈન્ડિયા માટે યશસ્વી જયસ્વાલે 30 રન, સૂર્યકુમાર યાદવે 26 રન અને હાર્દિક પંડ્યાએ 22 રનનું યોગદાન આપ્યું હતું. આ પહેલા બોલરોએ પણ ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
રવિ બિશ્નોઈએ ત્રણ વિકેટ ઝડપી હતી
ભારતીય ટીમ માટે રવિ બિશ્નોઈએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે મેચમાં 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે ટીમ ઈન્ડિયા માટે મેચમાં સૌથી મોટો હીરો સાબિત થયો હતો. તેની સામે શ્રીલંકાના બેટ્સમેનો ટકી શક્યા ન હતા. બિશ્નોઈ ઉપરાંત અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી.
શ્રીલંકા તરફથી કુસલ પરેરાએ સૌથી વધુ 53 રન બનાવ્યા હતા. તેના સિવાય કામિન્દુ મેન્ડિસે 26 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય પથુમ નિસાન્કાએ 32 રન અને કેપ્ટન ચરિત અસલંકાએ 14 રનનું યોગદાન આપ્યું હતું. આ ખેલાડીઓના કારણે જ શ્રીલંકાની ટીમ 161 રનનો સન્માનજનક સ્કોર કરવામાં સફળ રહી હતી.