કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે IPL 2025 માં પોતાની પહેલી જીત નોંધાવી છે. ટીમે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટથી હરાવ્યું છે. ક્વિન્ટન ડી કોક KKR માટે સૌથી મોટો હીરો સાબિત થયો અને તેણે ઉત્તમ બેટિંગનું પ્રદર્શન કર્યું. તેણે ૯૭ રનની ઇનિંગ રમીને KKR ને વિજેતા બનાવ્યું. તે KKR ટીમ માટે IPL રન ચેઝમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન બની ગયો છે.
ક્વિન્ટન ડી કોકે ઇનિંગ્સની શરૂઆતથી જ શાનદાર બેટિંગ કરી અને રાજસ્થાન રોયલ્સના બોલરોને આડે હાથ લીધા. તેણે 61 બોલમાં 97 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. આ સાથે, તે KKR ટીમ માટે IPL રન ચેઝમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ખેલાડી બની ગયો છે. તેણે મનીષ પાંડેનો ૧૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મનીષે IPL 2014 માં KKR વતી રમતી વખતે પંજાબ કિંગ્સ સામેની મેચમાં 94 રનની ઇનિંગ રમી હતી. હવે ક્વિન્ટન ડી કોકે તેમને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે.
KKR વતી રન ચેઝમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનારા બેટ્સમેન:
- ક્વિન્ટન ડી કોક – ૯૭ રન, વર્ષ ૨૦૨૫
- મનીષ પાંડે – ૯૪ રન, વર્ષ ૨૦૧૪
- ક્રિસ લિન – ૯૩ રન, ૨૦૧૭
- મનવિંદર બિસ્લા – ૯૨ રન, ૨૦૧૩
- ગૌતમ ગંભીર – 90 રન, વર્ષ 2016
રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન ફ્લોપ રહ્યા
મેચમાં KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે યોગ્ય સાબિત થયો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં ફક્ત 151 રન બનાવી શક્યું. ટીમ તરફથી ધ્રુવ જુરેલે સૌથી વધુ 33 રન બનાવ્યા. રિયાન પરાગે 25 રન અને યશસ્વી જયસ્વાલે 29 રનનું યોગદાન આપ્યું. બીજી તરફ, ક્વિન્ટન ડી કોક KKR માટે એક-મેન આર્મી બન્યા અને શાનદાર ઇનિંગ્સ રમીને તેમને વિજય તરફ દોરી ગયા. તેમના સિવાય અંગક્રિશ રઘુવંશીએ 22 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સ તરફથી એકમાત્ર વિકેટ વાનિન્દુ હસરંગાએ લીધી. બાકીના બોલરો મોટા ફ્લોપ સાબિત થયા.
KKR એ પોતાની પહેલી જીત નોંધાવી
IPL 2025 માં, કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે તેની પહેલી મેચ જીતી લીધી છે. આ પહેલા ટીમ આરસીબી સામે 7 વિકેટથી હારી ગઈ હતી. હવે, આ જીત સાથે, તેમને બે પોઈન્ટ મળ્યા છે અને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સને તેમની સતત બીજી મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો.