- IPL–2022ની હરાજીમાં દીપક ચહરની લાગી સૌથી મોટી બોલી
- ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ચહરને ખરીદ્યો
- હરાજીમાં તે અત્યાર સુધીનો સૌથી મોંઘો ભારતીય બોલર
IPL–2022ની હરાજીમાં ફાસ્ટ બોલર દીપક ચહરને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો. IPL ની હરાજીમાં તે અત્યાર સુધીનો સૌથી મોંઘો ભારતીય બોલર બની ગયો છે. આ સાથે જ તે CSK ટીમનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. IPL-2022 માટે તેને CSK માં મહેન્દ્ર સિંહ ધોની કરતા વધારે પૈસા મળશે. ધોનીને CSK એ 12 કરોડમાં રિટેન કર્યો હતો. આ પહેલા દીપક ચહરને આઈપીએલ 2018માં CSK એ 80 લાખ રૂપિયામાં લીધો હતો. દીપક ચહરને આઈપીએલ 2022 મેગા હરાજીમાં ખરીદવા માટે ટીમો વચ્ચે આકરી ટક્કર જોવા મળી હતી પરંતુ, અંતમાં દીપક ચહર CSK ટીમનો ભાગ બની ગયો. દીપક ચહર ડોમેસ્ટિક ક્રિકેટમાં રાજસ્થાન તરફથી રમે છે. તે વન-ડે અને ટી-20 ફોર્મેટમાં પણ ટીમ ઇન્ડિયાનો હિસ્સો છે.
તેના માટે સૌથી પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સે બોલી લગાવવાની શરૂઆત કરી હતી, બંને ટીમોએ આ ખેલાડીને પોતાની સાથે લઈ જવાનો નિર્ધાર કર્યો હતો. જેના કારણે દીપક ચહરની કિંમત 10 કરોડને પાર પહોંચી ગઈ હતી. ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પણ બોલીમાં આવી હતી. ચેન્નઈને ફરી રાજસ્થાન રોયલ્સનો સામનો કરવો પડ્યો હતો પરંતુ 14 કરોડના સટ્ટા બાદ રાજસ્થાનની ટીમ પાછળ હટી ગઈ હતી.
દીપક ચહરે અત્યાર સુધી રાજસ્થાન રોયલ્સ, રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ અને ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી IPL માં ભાગ લીધો છે. 2018થી તે CSK સાથે છે. અહીં તે મુખ્ય બોલર હતો અને તેણે 2018 અને 2021માં ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે 2018 બાદ પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર છે. તેના પછી ટ્રેન્ટ બોલ્ટ છે પરંતુ, ચહર તેનાથી 15 વિકેટ આગળ છે. CSK એ આઈપીએલ ૨૦૧૮ ની મેગા હરાજી ફક્ત ૮૦ લાખ રૂપિયામાં ખરીદી હતી.