- ભારતે વેસ્ટ ઇન્ડિઝને 238નો ટાર્ગેટ આપ્યો
- બીજી વનડેમાં સૂર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી
- કેએલ રાહુલે 49 રનનું યોગદાન આપ્યું
વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ODI મેચમાં ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન માત્ર 237 રનનો સ્કોર કરી શક્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ બોલિંગ માટે યોગ્ય પીચ પર સારી બોલિંગ કરી અને વિરાટ કોહલી અને રોહિત શર્મા વા બેટ્સમેનોને શાંત રાખ્યા. જોકે, મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે સારી બેટિંગ કરી અને ટીમ ઈન્ડિયાને લડાયક સ્કોર સુધી લઈ ગયા. દીપક હુડ્ડાએ પણ છેલ્લી ઓવરમાં સારું યોગદાન આપ્યું હતું અને તેના બેટથી 25 બોલમાં 29 રન થયા હતા. કેએલ રાહુલે 49 રનની ઇનિંગ રમી હતી અને સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 64 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરોએ સારી બોલિંગ કરી હતી. અલઝારી જોસેફે માત્ર 36 રનમાં 2 વિકેટ લીધી હતી. ઓડિન સ્મિથે પણ 29 રનમાં 2 વિકેટ લીધી હતી. હોલ્ડર, અકીલ હુસૈન, ફેબિયન એલન અને કેમર રોચને 1-1 વિકેટ મળી હતી. બીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીત્યો અને તેણે ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું. ભારતની શરૂઆત ઘણી નબળી રહી હતી, છેલ્લી મેચમાં અડધી સદી ફટકારનાર કેપ્ટન રોહિત શર્મા ત્રીજી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. રોહિત 5 રન બનાવીને રોચના હાથે આઉટ થયો હતો. આ પછી વિન્ડીઝના બોલરોએ પંત અને વિરાટ કોહલીની જોડીને ખુલીને રમવા દીધા નહોતા. બંને પર સતત દબાણ હતું. ઓડિન સ્મિથે 12મી ઓવરમાં ભારતને 2 ઝટકા આપ્યા હતા. સ્મિથે પહેલા ઋષભ પંતને શોર્ટ બોલ પર આઉટ કર્યો અને ત્યારબાદ સ્મિથે વિરાટ કોહલીની વિકેટ પણ લીધી. બંને બેટ્સમેન 18-18 રન જ બનાવી શક્યા હતા.