ભારતીય ક્રિકેટ ટીમ આજે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમને 400 રનનો રેકોર્ડ ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે વનડે ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો આ સૌથી મોટો સ્કોર હતો. પરંતુ આ પહેલા પણ ટીમ ઈન્ડિયાએ આ મેચમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.
ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ
ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં મોટી સિદ્ધિ મેળવી છે. ટીમ ઈન્ડિયાની ઈનિંગ દરમિયાન મેચમાં કુલ 18 સિક્સર ફટકારવામાં આવી હતી. આ સાથે ભારતીય ટીમ ODI ક્રિકેટના ઈતિહાસમાં 3000 સિક્સર પુરી કરનાર વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. ટીમ ઈન્ડિયાએ હવે ODI ક્રિકેટમાં કુલ 3007 સિક્સર ફટકારી છે. આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝ (2953) બીજા સ્થાને અને પાકિસ્તાન (2566) ત્રીજા સ્થાને છે.
ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ટોટલ
શુભમન ગિલ (104) અને શ્રેયસ અય્યર (105)ની સદીની ઇનિંગ્સના આધારે ટીમ ઇન્ડિયાએ આ મેચમાં શાનદાર શરૂઆત કરી. આ પછી કેએલ રાહુલે 52 રન અને ઈશાન કિશને 31 રન બનાવ્યા હતા. પરંતુ અંતે સૂર્યાએ માત્ર 37 બોલમાં 72 રનની અણનમ ઇનિંગ રમીને ટીમનો કુલ સ્કોર 399 સુધી પહોંચાડ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ટીમ ઈન્ડિયાનો આ સૌથી મોટો સ્કોર છે. જો એકંદરે જોવામાં આવે તો ઓસ્ટ્રેલિયા સામેનો આ ચોથો સર્વોચ્ચ સ્કોર છે.
ઑસ્ટ્રેલિયા સામે વનડેમાં સર્વોચ્ચ સ્કોર
- 481/6 – ઈંગ્લેન્ડ, નોટિંગહામ, 2018
- 438/9 – દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2006
- 416/5 – દક્ષિણ આફ્રિકા, સેન્ચુરિયન, 2023
- 399/5 – ભારત, ઇન્દોર, 2023
- 383/6 – ભારત, બેંગલુરુ, 2013