સિડની ટેસ્ટમાં બીજા દિવસે રમત ચાલુ છે. પ્રથમ દિવસે પોતાની પ્રથમ ઈનિંગમાં માત્ર 185 રન પર જ સિમિત રહેલી ટીમ ઈન્ડિયાએ બોલિંગમાં શાનદાર શરૂઆત કરી હતી અને પહેલા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ 9 રનના સ્કોર પર પડી હતી. આ પછી ભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહે બીજા દિવસની શાનદાર શરૂઆત કરી અને માર્નસ લાબુશેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. લાબુશેન માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પહેલા સેશનમાં બુમરાહને મોહમ્મદ સિરાજનો શાનદાર સપોર્ટ મળ્યો હતો. સિરાજે આવતાની સાથે જ ઓપનર સેમ કોન્સ્ટન્સને પેવેલિયનનો રસ્તો બતાવ્યો અને પછી ખતરનાક ટ્રેવિસ હેડને માત્ર 4 રન પર આઉટ કર્યો. પ્રથમ સત્રના અંત પહેલા સ્ટીવ સ્મિથ પણ 33 રન બનાવીને પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો.
બુમરાહે સ્ટેડિયમ છોડી દીધું
બીજા સત્રમાં, જસપ્રીત બુમરાહ પાસેથી ફરી એકવાર શાનદાર બોલિંગની અપેક્ષા રાખવામાં આવી હતી પરંતુ તે માત્ર એક જ ઓવર નાંખી શક્યો, ત્યારબાદ તેને તેની પીઠમાં થોડી સમસ્યા અનુભવાઈ અને તે મેદાનની બહાર ગયો. એવી અપેક્ષા હતી કે બુમરાહ ટૂંક સમયમાં મેદાનમાં પરત ફરશે પરંતુ તેમ થયું નહીં. લગભગ 30 મિનિટ સુધી મેદાનની બહાર રહ્યા બાદ બુમરાહ પણ સ્ટેડિયમની બહાર નીકળી ગયો હતો. તે ટીમ ઈન્ડિયાના મેડિકલ સ્ટાફ સાથે સ્કેન માટે કારમાં સ્ટેડિયમની બહાર જતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બુમરાહે મેદાન છોડતાની સાથે જ ટીમ ઈન્ડિયાની કપ્તાની વિરાટ કોહલીના હાથમાં આવી ગઈ.
કોહલીને ટીમની કમાન મળી
નોંધનીય છે કે સિડની ટેસ્ટ પહેલા રોહિત શર્માના પ્લેઈંગ-11માંથી બહાર હોવાના સમાચાર સામે આવ્યા હતા અને ટોસના સમયે આ વાતની પુષ્ટિ થઈ હતી. સિડની ટેસ્ટમાં, બુમરાહે પહેલા દિવસે ટીમની કમાન સંભાળી હતી પરંતુ બીજા દિવસે પ્રથમ સત્ર બાદ મેદાન છોડી દીધું હતું, ત્યારબાદ કોહલીએ ટીમની કમાન સંભાળી હતી. આનાથી પ્રશંસકોની જૂની યાદો તાજી થઈ ગઈ જ્યારે કોહલી ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતો હતો.