ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ 6 ડિસેમ્બરે રમાશે. આ ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે, જે એડિલેડ ઓવલ ખાતે રમાશે. પરંતુ ઈજાના કારણે ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર જોશ હેઝલવુડ બહાર છે અને તેના સ્થાને સીન એબોટ અને બ્રેન્ડન ડોગેટને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં તક મળી છે. એબોટ અગાઉ ઓસ્ટ્રેલિયા માટે ODI અને T20 રમી ચૂક્યો છે, પરંતુ ડોગેટ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શક્યો નથી.
1. સીન એબોટ
32 વર્ષીય સીન એબોટે ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધી 26 ODI મેચમાં કુલ 29 વિકેટ ઝડપી છે. તેણે 20 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં કુલ 26 વિકેટ લીધી છે. આ સિવાય ડોમેસ્ટિક ક્રિકેટમાં તેનો રેકોર્ડ સારો છે, જ્યાં તેના નામે 261 ફર્સ્ટ ક્લાસ વિકેટ છે. ભલે તેને હજુ સુધી ટેસ્ટમાં પદાર્પણ કરવાની તક મળી નથી, પરંતુ તે વનડે અને ટી-20માં પ્રભાવ પાડવામાં સફળ રહ્યો છે. તે આઈપીએલમાં આરસીબી અને સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી પણ રમી ચૂક્યો છે.
2014માં ઓસ્ટ્રેલિયાના આશાસ્પદ ક્રિકેટર ફિલિપ હ્યુજીસનું શેફિલ્ડ શીલ્ડ ટૂર્નામેન્ટમાં મેચ દરમિયાન બોલ વાગવાથી મોત થયું હતું. ત્યારે સીન એબોટ બોલિંગ કરી રહ્યો હતો. તેનો બોલ હ્યુજીસને ગરદનના નીચેના ભાગમાં વાગ્યો, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
2. બ્રેન્ડન ડોગેટ
બ્રેન્ડન ડોગેટને બીજી વખત ટેસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. અગાઉ વર્ષ 2018માં તે પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી માટે UAE ગયો હતો. 32 વર્ષીય ડોગેટે અત્યાર સુધી 40 ફર્સ્ટ ક્લાસ મેચમાં કુલ 142 વિકેટ ઝડપી છે. આ યાદીમાં તેના નામે 23 વિકેટ છે.
પ્લેઇંગ ઇલેવનમાં તક મળવી મુશ્કેલ
બ્રેન્ડન ડોગેટ અને સીન એબોટને બીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવ્યા હોવા છતાં આ બંને માટે પ્લેઈંગ ઈલેવનમાં રમવું મુશ્કેલ છે. કારણ કે ઓસ્ટ્રેલિયા પાસે પહેલાથી જ સ્કોટ બોલેન્ડ છે. મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા માટે ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરતો જોવા મળશે. તેને સપોર્ટ કરવા માટે કેપ્ટન પેટ કમિન્સ ટીમમાં હાજર છે.