સચિન તેંડુલકરની ગણતરી વિશ્વના મહાન બેટ્સમેનોમાં થાય છે. તે ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તે એકમાત્ર એવો ખેલાડી છે જેના નામે 100 સદી છે. હવે સચિન તેંડુલકરે મેલબોર્ન ક્રિકેટ ક્લબનું માનદ સભ્ય બનવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. મેલબોર્ન ક્રિકેટ ક્લબે ટ્વિટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે.
મેલબોર્ન ક્રિકેટ ક્લબ, ઑસ્ટ્રેલિયાની સૌથી જૂની સ્પોર્ટિંગ ક્લબમાંની એક છે, જેની સ્થાપના 1838માં થઈ હતી. તે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ના સંચાલન અને વિકાસ માટે જવાબદાર છે, જે રમતના મુખ્ય સ્થળોમાંનું એક છે. MCCએ એક ‘X’ પોસ્ટ કર્યું અને તેની સાથે લખ્યું કે ‘આઇકન’નું સન્માન કરવામાં આવ્યું. MCC એ જાહેરાત કરતાં આનંદ અનુભવે છે કે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સચિન તેંડુલકરે રમતમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનની માન્યતામાં માનદ ક્રિકેટ સભ્યપદ સ્વીકાર્યું છે.
MCGમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન
સચિન તેંડુલકર એ ભારતીય બેટ્સમેન છે જેણે MCGમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવ્યા છે. તેના નામે આ મેદાન પર પાંચ ટેસ્ટ મેચોમાં 44.90ની એવરેજ અને 58.69ની સ્ટ્રાઈક રેટથી 449 રન છે. તેણે આ મેદાન પર એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. અગાઉ 2012માં, તેંડુલકરને દેશના સર્વોચ્ચ સન્માનમાંના એક ‘ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા’થી નવાજવામાં આવ્યા હતા. MCG હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની શ્રેણીની ચોથી ટેસ્ટ મેચનું આયોજન કરી રહ્યું છે.
ટેસ્ટ ક્રિકેટમાં 15000 થી વધુ રન બનાવ્યા
સચિન તેંડુલકરે ભારતીય ટીમ માટે 200 ટેસ્ટ મેચોમાં કુલ 15921 રન બનાવ્યા છે, જેમાં તેણે 51 સદી ફટકારી છે. તેના નામે 463 ODI મેચોમાં 18426 રન છે. તેણે વનડેમાં 49 સદી ફટકારી છે. ભલે તે ઘરેલુ હોય કે વિદેશમાં. તેણે દુનિયાના દરેક મેદાન પર પોતાની બેટિંગની ક્ષમતા સાબિત કરી છે.