ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાની ધરતી પર શાનદાર ફોર્મમાં છે. પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ 295 રનથી જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનું મનોબળ ચરમસીમા પર છે. બીજી ટેસ્ટ પહેલા કેપ્ટન રોહિત શર્મા પણ ટીમ સાથે જોડાયો છે, જેના કારણે ભારતીય ટીમ વધુ મજબૂત બની છે. હવે એડિલેડમાં રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા યજમાન ઓસ્ટ્રેલિયા સામે વધુ આક્રમક અંદાજમાં જોવા મળશે.
આવતીકાલે એટલે કે 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાનારી બીજી ટેસ્ટ મેચ ડે-નાઈટ ટેસ્ટ હશે જે ગુલાબી બોલથી રમાશે. જો કે આ મેચમાં ઘણા મોટા રેકોર્ડ્સ નિશાના પર હશે, પરંતુ રોહિત અને વિરાટ પાસે એવો શાનદાર રેકોર્ડ બનાવવાનો મોકો હશે જે આજ પહેલા દુનિયાની અન્ય કોઈ જોડી નથી કરી શકી. રોહિત અને વિરાટ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં જોરદાર છે. બંને બેટ્સમેનોના ઉત્તમ આંકડા આ વાતની સાક્ષી પૂરતા છે. હવે જ્યારે બંને ખેલાડીઓ એડિલેડના મેદાન પર એકસાથે જોવા મળશે ત્યારે નવો ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે.
ઈતિહાસ રચવાથી 1 રન દૂર
વાસ્તવમાં, જ્યારે પણ રોહિત શર્મા અને વિરાટ કોહલી પિચ પર એકસાથે બેટિંગ કરતા હોય છે, ત્યારે બોલરો માટે બોલિંગ કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. આ જ કારણ છે કે ત્રણેય ફોર્મેટમાં બંને બેટ્સમેનોનો એકસાથે રેકોર્ડ શાનદાર છે. વનડે ક્રિકેટમાં બંને બેટ્સમેનોએ ભાગીદારીની મદદથી 5280 રન બનાવ્યા છે. આ બંનેના નામે T20Iમાં જોડી તરીકે 1350 રન છે અને હવે તેઓ ટેસ્ટ ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ તેમના લક્ષ્ય પર છે. જો એડિલેડ ટેસ્ટમાં વિરાટ અને રોહિત વચ્ચે એક રનની પણ ભાગીદારી થશે તો તે ક્રિકેટમાં સૌથી મોટી સિદ્ધિ હાંસલ કરનારી જોડી બની જશે.
વિરાટ અને રોહિત વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં 999 રનની ભાગીદારી થઈ છે. એક રન પૂરો કરતાની સાથે જ આ જોડી ટેસ્ટમાં 1000 રન પોતાના નામે કરી લેશે. આ રીતે વિરાટ કોહલી અને રોહિત શર્માની જોડી ત્રણેય ફોર્મેટમાં 1000થી વધુ રનની ભાગીદારી કરનાર વિશ્વની પ્રથમ જોડી બની જશે.
રોહિત અને વિરાટ વચ્ચે ત્રણેય ફોર્મેટમાં રનની ભાગીદારી
- ODI – 5280 રન
- T20I – 1350 રન
- ટેસ્ટ – 999 રન*