ભારત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પણ આગળ વધી ગયું છે
નિખત ઝરીને (52 કિગ્રા) ભારતનો પહેલો મેડલ નિશ્ચિત કર્યો હતો
મનીષાએ તેની ક્વાર્ટર ફાઇનલ મેચ જીતીને ભારતનો બીજો મેડલ પણ સુનિશ્ચિત કર્યો
થોમસ કપમાં શાનદાર જીત બાદ ભારત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પણ આગળ વધી ગયું છે. ઈસ્તાંબુલમાં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ચાલી રહી છે. જેમાં સોમવારે નિખત ઝરીને (52 કિગ્રા) ભારતનો પહેલો મેડલ નિશ્ચિત કર્યો હતો. નિખતે ઈંગ્લેન્ડની ચાર્લી-સીન ડેવિસન સામે 5-0થી જીત મેળવીને તેનો આકર્ષક સિલસિલો ચાલુ રાખ્યો હતો. નિખત તેલંગાણાની 25 વર્ષની જુસ્સાદાર બોક્સર છે. ક્વાર્ટર ફાઇનલમાં ડેવિસનની આક્રમક રમતનો જવાબ તેની આગવી શૈલીમાં આપ્યો હતો.
પહેલા રાઉન્ડમાં બંને બોક્સરોએ એકબીજા પર જોરદાર હુમલો કર્યો હતો. પ્રથમ બે રાઉન્ડમાં લીડ લીધા બાદ, નિખતે ત્રીજા રાઉન્ડમાં રક્ષણાત્મક રમત રમી અને એકતરફી જીત નોંધાવી. તે જ સમયે, 57 કિગ્રા વર્ગમાં મનીષાએ તેની ક્વાર્ટર ફાઇનલ મેચ જીતીને ભારતનો બીજો મેડલ પણ સુનિશ્ચિત કર્યો.
બીજી તરફ,ક્વાર્ટર ફાઇનલમાં કઝાકિસ્તાનની ડિફેન્ડિંગ એશિયન ચેમ્પિયન અલુઆ બાલ્કીબેકોવા સામે 2-3થી હાર્યા બાદ ભારતની નીતુ (48 કિગ્રા)નું અભિયાન સમાપ્ત થયું. નીતુ હરિયાણાની 21 વર્ષની બે વખત યુથ વર્લ્ડ ચેમ્પિયન છે. તેણે શરૂઆતમાં રક્ષણાત્મક રમત બતાવી હતી. બાદમાં તેણે ત્રીજા રાઉન્ડમાં આક્રમક અભિગમ અપનાવ્યો હતો.