કોલકાતા નાઈટ રાઈડર્સે નીતિશ રાણાને આઈપીએલ 2023 માટે ટીમના કાર્યકારી કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. નીતીશને સ્થાનિક સ્તરે કેપ્ટનશિપ કરવાનો અનુભવ છે. શ્રેયસ ઐયરની ઈજાના કારણે KKR ટીમે આ નિર્ણય લેવો પડ્યો હતો. એવું માનવામાં આવે છે કે ઈજાના કારણે ઐયર લીગના ઓછામાં ઓછા પહેલા હાફમાં ભાગ લેશે નહીં.
કેરેબિયન સ્પિન બોલર સુનીલ નારાયણને નીતિશ રાણાની સાથે કેપ્ટનશિપના દાવેદાર તરીકે રેસમાં સામેલ કરવામાં આવ્યા હતા. જો કે આખરે કોલકાતાની ટીમે ભારતીય બેટ્સમેન પર વિશ્વાસ દર્શાવ્યો છે. નીતિશ વર્ષ 2018 થી KKR સાથે છે અને તેણે ઘણી મેચોમાં ટીમને યાદગાર જીત અપાવી છે.
નીતિશે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધી 91 મેચ રમી છે અને આ દરમિયાન તેણે 134ના મજબૂત સ્ટ્રાઈક રેટ સાથે 2,181 રન બનાવ્યા છે. નીતિશે સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં દિલ્હીની કપ્તાની કરી છે અને તેમના નેતૃત્વમાં ટીમે 12 ટી20માંથી 8 મેચ જીતી છે.
શ્રેયસ અય્યરને સ્વસ્થ થવામાં સમય લાગશે
કોલકાતા નાઈટ રાઈડર્સનો નિયમિત કેપ્ટન શ્રેયસ અય્યર પીઠની સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે તેને સર્જરી કરાવવી પડશે. જોકે, અય્યરે હાલ સર્જરી ન કરાવવાનો નિર્ણય લીધો છે. KKR દ્વારા જારી કરવામાં આવેલા તેના નિવેદનમાં એવી અપેક્ષા છે કે ઐયર સ્વસ્થ થયા બાદ ટૂર્નામેન્ટમાં કેટલીક મેચો રમી શકશે. અય્યરની ગેરહાજરી KKR માટે મોટો ફટકો છે.
પંજાબ પ્રથમ મેચમાં ટકરાશે
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 1લી એપ્રિલે આઈપીએલ 2023ની તેની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સનો સામનો કરવાની છે. ગત સિઝનમાં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને શ્રેયસ અય્યરના નેતૃત્વમાં ટીમે ટૂર્નામેન્ટ સાતમા સ્થાને ખતમ કરી હતી. ટીમ ટૂર્નામેન્ટમાં રમાયેલી 14 મેચમાંથી 6 જીતવામાં સફળ રહી હતી જ્યારે 8માં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.