IPL 2023ની 16મી સિઝન શરૂ થવા જઈ રહી છે. આ સિઝન માટે તમામ ટીમો સખત મહેનત કરી રહી છે. આ દરમિયાન કેકેઆરના એક ખેલાડીએ અજાયબી કરી બતાવી છે. KKR 1 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે તેની પ્રથમ મેચ રમવાની છે. આ મેચ પહેલા KKRનો એક ઘાતક ખેલાડી તેના જૂના ફોર્મમાં પાછો ફર્યો છે. આ ખેલાડીનું શાનદાર ફોર્મ ટીમ માટે સારો સંકેત છે. અમે વાત કરી રહ્યા છીએ KKRના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની. શાકિબ અલ હસને આયર્લેન્ડ વિરૂદ્ધ રમાઈ રહેલી ટી-20 સિરીઝ દરમિયાન એક મોટું કારનામું કર્યું છે.
T20I નો નંબર 1 બોલર બન્યો
વાસ્તવમાં IPL પહેલા T20 સિરીઝ બાંગ્લાદેશ અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ શ્રેણીની બીજી મેચમાં શાકિબ અલ હસને ચાર ઓવરમાં 22 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. શાકિબ આ મેચમાં ચોથી વિકેટ લેતાની સાથે જ T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો હતો. હવે તેની પાસે 114 મેચમાં 136 વિકેટ છે. જે T20 ઈન્ટરનેશનલમાં કોઈપણ બોલર દ્વારા સૌથી વધુ છે. તેણે ન્યુઝીલેન્ડના સ્ટાર બોલર ટિમ સાઉથીને પાછળ છોડી દીધો. સાઉથીના નામે 107 મેચમાં 134 વિકેટ છે. આ બંને ખેલાડીઓ આ વર્ષે KKR તરફથી રમી રહ્યા છે.
આ ખેલાડીએ પણ શાનદાર પ્રદર્શન કર્યું
બાંગ્લાદેશ અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી T20 મેચ વરસાદને કારણે વિક્ષેપિત થઈ હતી. મેચને 20 ઓવરથી ઘટાડીને 17 ઓવરની કરવામાં આવી હતી. આ મેચમાં આયર્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે 17 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. 203 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આયરલેન્ડની ટીમ 17 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 125 રન જ બનાવી શકી હતી અને બાંગ્લાદેશે 77 રનથી મેચ જીતી લીધી હતી.
આ દરમિયાન બાંગ્લાદેશના લિટન દાસે પણ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે માત્ર 41 બોલમાં 83 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે બાંગ્લાદેશ માટે સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ મેચમાં તેણે માત્ર 18 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. લિટન પણ આ વર્ષે IPLનો ભાગ છે અને તે KKR માટે જ રમી રહ્યો છે.