IPL 2024: IPL 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે નવા કેપ્ટનની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. મોટા સમાચાર એ છે કે એમએસ ધોનીએ અચાનક કેપ્ટનશીપ છોડી દીધી છે અને હવે રુતુરાજ ગાયકવાડને ચેન્નાઈનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ધોનીએ ગત સિઝનમાં ચેન્નાઈને પાંચમી વખત IPL જીતાડ્યું હતું અને હવે તેણે ગાયકવાડને ટીમની કમાન સોંપી છે.
ધોનીનો કેપ્ટનશિપનો રેકોર્ડ
ધોનીએ ચેન્નાઈને પાંચ વખત IPL જીતાડ્યું એટલું જ નહીં, તેણે ટીમને પાંચ વખત ફાઇનલમાં પણ પહોંચાડી. તે એકમાત્ર એવો કેપ્ટન છે જેણે 10 IPL ફાઈનલ રમી છે. ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ 2010, 2011, 2018, 2021 અને 2023માં ચેમ્પિયન બની છે. 2008, 2012, 2013, 2015 અને 2019માં તે ટીમને ફાઇનલમાં લઈ ગયો હતો.
- ચેન્નાઈએ ધોનીની કપ્તાનીમાં 226 મેચ રમી હતી.
- ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈએ 133 મેચ જીતી અને 91માં હારનો સામનો કરવો પડ્યો.
- ધોનીની કપ્તાનીમાં જીતની ટકાવારી 59.38 ટકા હતી.
- ધોનીએ કેપ્ટન તરીકે 4660 રન બનાવ્યા હતા
- કેપ્ટન તરીકે ધોનીએ 22 અડધી સદી ફટકારી હતી.
- કેપ્ટન તરીકે ધોનીએ 218 સિક્સર અને 320 ફોર ફટકારી હતી.
રુતુરાજ ગાયકવાડ CSKનો નવો કેપ્ટન છે
રુતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. IPLની શરૂઆત પહેલા કેપ્ટન્સનું એક ફોટોશૂટ છે જેમાં ધોનીની જગ્યાએ ગાયકવાડ પહોંચ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે ચેન્નાઈ માટે માત્ર 3 સીઝન રમી છે. તેણે 2020માં ડેબ્યૂ કર્યું હતું અને પ્રથમ સિઝનમાં તે માત્ર 6 મેચ જ રમી શક્યો હતો. પરંતુ 2021માં તેને તેની પૂરી તક મળી અને આ ખેલાડીએ એક સદી અને 4 અડધી સદીના આધારે 635 રન બનાવ્યા. 2022માં ગાયકવાડે માત્ર 368 રન બનાવ્યા હતા પરંતુ છેલ્લી સિઝનમાં ગાયકવાડે 16 મેચમાં 590 રન બનાવીને ટીમને ચેમ્પિયન બનાવી હતી. ગાયકવાડે આઈપીએલમાં અત્યાર સુધીમાં 52 મેચ રમી છે અને 39થી વધુની એવરેજથી 1797 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 135થી વધુ છે.
રુતુરાજ ગાયકવાડ પાસે કેપ્ટનશિપનો સારો અનુભવ છે. તે રણજીમાં મહારાષ્ટ્રની કેપ્ટનશીપ કરે છે. તેમજ તેમની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ધોની તેના નેતૃત્વના ગુણો જાણે છે અને તેથી જ ગાયકવાડને કેપ્ટનશીપ મળી.