ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024 ની રવિવારે બીજી મેચમાં, ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને ત્રણ વિકેટથી હરાવીને આ સિઝનમાં અગાઉની હારનો બદલો લીધો હતો. પંજાબે આ મેદાન પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 142 રન બનાવ્યા હતા, જે ગુજરાતે સાત વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધા હતા. મેચમાં ગુજરાત તરફથી કોઈ મોટી ભાગીદારી થઈ ન હતી, પરંતુ તેમ છતાં તેણે આઠ મેચમાં ચોથી જીત નોંધાવી અને આઠ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. પંજાબની ઘરઆંગણે આ સતત ચોથી હાર છે.
ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગીલે 35 રન અને રાહુલ તેવટિયાએ 36 અણનમ રન બનાવ્યા હતા. તેમના સિવાય સાઈ સુદર્શને 31 રન જ્યારે રિદ્ધિમાન સાહા અને અઝમતુલ્લા ઝેજાઈએ 13-13 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી હર્ષલ પટેલ અને લિયામ લિવિંગસ્ટને બે-બે જ્યારે અર્શદીપ સિંહ અને કેપ્ટન સેમ કુરાને એક-એક વિકેટ લીધી હતી. પંજાબને આઠ મેચમાં છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો છે.
અગાઉ, આર સાઈ કિશોરની આગેવાની હેઠળના ગુજરાત ટાઇટન્સના સ્પિનરોએ પંજાબના બેટિંગ ઓર્ડરને બરબાદ કર્યો હતો અને તેને 142 રનમાં આઉટ કર્યો હતો. આ સિઝનમાં પાવરપ્લેમાં સૌથી ખરાબ રમી રહેલા પંજાબ કિંગ્સે ધીમી શરૂઆત કરી હતી અને પાંચ ઓવરમાં કોઈ પણ નુકશાન વિના 45 રન બનાવ્યા હતા. આ પછી સાઈ કિશોર, રાશિદ ખાન અને નૂર અહેમદે પંજાબના બેટ્સમેનોને મુક્તપણે રમવા દીધા ન હતા.
સાઈ કિશોરે 33 રનમાં ચાર વિકેટ લીધી હતી જ્યારે રાશિદે 15 રનમાં એક વિકેટ અને અહેમદે 20 રનમાં બે વિકેટ લીધી હતી. પંજાબ માટે પ્રભસિમરન સિંહ 21 બોલમાં 35 રન બનાવીને ફોર્મમાં પરત ફર્યો હતો. તે છઠ્ઠી ઓવરમાં આઉટ થયો અને ત્યાર બાદ સતત વિકેટો પડતી રહી. મોહિત શર્માની ઓવર થર્ડ મેન પર સિક્સર ફટકાર્યા બાદ પ્રભાસિમરન વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો.