પહેલી મહિલા ટી-20 મેચમાં ભારતની જીત
શ્રીલંકાને 34 રનથી આપ્યો પરાજય
દીપ્તિ શર્મા અને જેમિમાહ રોડ્રિગ્સે તરખાટ મચાવ્યો
ભારત અને શ્રીલંકા મહિલા ટીમ વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિગ કરતા 138 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઉતરેલી યજમાની ટીમ 104 રન જ કરી શકી હતી પરિણામે ભારતીય મહિલા ટીમે જીતથી શરૂઆત કરી હતી. નોંધનીય છે કે, બીજી મેચ 25 જૂને રમાશે.
ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 138 રન બનાવ્યા હતા જેમાં સૌથી વધુ રોડ્રિગ્સે 36 રન બનાવ્યા હતા જે બાદ શેફાલી વર્માએ 31 રન કર્યા હતા જ્યારે શ્રીલંકાની તરફથી રણવીરાએ સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી હતી.
મહિલા ODI વર્લ્ડ કપ 2022માં નિરાશાજનક પ્રદર્શન બાદ ભારતીય મહિલા ટીમની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. આ ઉપરાંત સિનિયર ખેલાડી મિતાલી રાજની નિવૃત્તિ બાદ ભારતીય ટીમની આ પ્રથમ મેચ હતી. મિતાલીએ 8 જૂને 23 વર્ષની શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી અલવિદા કહી દીધું હતું.
પહેલી ટી-20માં દીપ્તિ શર્મા અને જેમિમાહ રોડ્રિગ્સે તરખાટ મચાવ્યો હતો. દીપ્તિએ 8 બોલમાં 17 અને જેમિમાહે 27 રનમાં 36 રન કર્યાં હતા. તેમની બન્નેની શાનદાર રમતને કારણે જ ટીમ ઈન્ડીયાને વિજય મળ્યો હતો.
139 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ શરૂઆતથી જ દબાણમાં જણાતી હતી. પ્રથમ સાત ઓવરની અંદર જ તેણે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ સમય દરમિયાન વી.ગુણરત્ને (1), કેપ્ટન ચમારી અતાપટ્ટુ (16) અને હર્ષિતા માધવી (10 રન)ની વિકેટ ગુમાવી હતી. આ પછી શ્રીલંકાની ઈનિંગ ફરી ટ્રેક પર આવી નહતી અને તેના માટે ટાર્ગેટ સુધી પહોંચવું અશક્ય બની ગયું હતુ. માત્ર કવીશા દિલ્હારી જ સંઘર્ષ કરી શકી હતી, તેણે અણનમ 47 રન ફટકાર્યા હતા. ભારત માટે રાધા યાદવે સૌથી વધુ બે ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સાથે જ પૂજા વસ્ત્રાકર, શેફાલી વર્મા અને દીપ્તિ શર્માએ એક-એક વિકેટ ઝડપી હતી.