ભારતીય મહિલા અન્ડર-19 ટીમે દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો હતો. પ્રથમ T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને 8 વિકેટથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 9 વિકેટે 107 રન બનાવ્યા હતા જેના જવાબમાં શ્વેતા સેહરાવતના અણનમ 61 રનની મદદથી ભારતે 14.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 110 રન બનાવીને જીત મેળવી હતી.
ભારતીય કેપ્ટન શેફાલી વર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બીજી ઓવરના ત્રીજા બોલ પર શેફાલીનો આ નિર્ણય સાચો સાબિત થયો. મન્નત કશ્યપે ન્યુઝીલેન્ડની અન્ના બ્રાઉનિંગને પોતાનો શિકાર બનાવ્યો હતો. ઈમા મેકલિયોડ પણ કંઈ ખાસ કરી શકી ન હતી. તે 2 રનના અંગત સ્કોર પર તિતાસ સાધુનો શિકાર બની હતી.
પાર્શ્વી ચોપરાએ ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી
જ્યોર્જિયા પ્લમરે 35 અને ઈઝી ગેજ 26 રન બનાવીને થોડો સંઘર્ષ કર્યો, પરંતુ બંને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી શક્યા નહીં. આ બંનેના આઉટ થયા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 107 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી પાર્શ્વી ચોપરાએ 3 વિકેટ લીધી હતી. તિતાસ સાધુ, મન્નત, કેપ્ટન શેફાલી અને અર્ચનાને એક-એક વિકેટ મળી હતી.
શ્વેતાએ અણનમ અડધી સદી ફટકારી હતી
108 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય મહિલા અન્ડર-19 ટીમે ઝડપી શરૂઆત કરી હતી. કેપ્ટન શેફાલી વર્મા અને શ્વેતા સેહરાવતે પહેલી જ ઓવરથી આક્રમણ શરૂ કર્યું હતું. જો કે, ઝડપી રનના પગલે શેફાલીએ 10 રનના અંગત સ્કોર પર પોતાની વિકેટ અન્ના બ્રાઉનિંગને આપી દીધી હતી.
શ્વેતાએ એક છેડો પકડીને પોતાની અડધી સદી ફટકારી હતી. શ્વેતાએ 45 બોલમાં 61 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે જ સૌમ્યા તિવારીએ 22 રનનું યોગદાન આપ્યું હતું. જી ત્રિશા 5 રન બનાવીને અણનમ રહી હતી. ભારતે પ્રથમ સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય અંડર-19 ટીમે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.