- ભારત શ્રેણી જીતવાના ઇરાદે આવશે ક્રિઝ પર
- જોહનીસબર્ગના વાન્ડેરેર્સ ગ્રાઉન્ડમાં ભારત ક્યારેય ટેસ્ટ મેચ હાર્યું નથી
- સાઉથ આફ્રિકા શ્રેણી બચાવવા માટે ઝઝુમશે
સેન્ચુરિયનમાં ૧૧૩ રનથી યાદગાર વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ આવતીકાલથી જોહનીસબર્ગમાં શરૃ થઈ રહેલી સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટની સાથે શ્રેણી જીતી લેવાના ઈરાદા સાથે ઉતરશે. ભારત અત્યાર સુધી ક્યારેય સાઉથ આફ્રિકાની ભૂમિ પર ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી અને કોહલીની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી વિજયની સિદ્ધિ હાંસલ કરવા માટે હોટફેવરિટ છે. આવતીકાલથી શરૃ થનારી ટેસ્ટ જોહનીસબર્ગના વાન્ડેરેર્સ સ્ટેડિયમમાં રમાશે. ભારત આ મેદાન પર ક્યારેય ટેસ્ટ મેચ હાર્યું નથી.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની શ્રેણીની બીજી ટેસ્ટનો પ્રારંભ ભારતીય સમય પ્રમાણે આવતીકાલે બપોરે ૧.૩૦ વાગ્યાથી થશે. એલ્ગરની આગેવાની હેઠળની સાઉથ આફ્રિકાની ટીમ માટે સેન્ચુરિયન જેવા ફેવરિટ હોમગ્રાઉન્ડ પરની હાર પચાવવી આસાન નથી. આમ છતાં હવે તેઓએ શ્રેણી બચાવવા માટે મરણિયો જંગ ખેલવા માટે તૈયારી કરવી પડશે. સાઉથ આફ્રિકાની ટીમની સૌથી કમજોર કડી તેમની બેટીંગ છે. સાઉથ આફ્રિકાના ટોચના બેટ્સમેનોએ ટીમને જીતાડવા માટે જવાબદારી સાથે મોટી ઈનિંગ રમવી જ પડશે.
શ્રેણીની પ્રથમ ટેસ્ટ જીતનારી ભારતીય ટીમ બીજી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં ખાસ ફેરફાર કરે તેવી શક્યતા નહીવત્ છે. ખાસ કરીને ટીમના બેટીંગ યુનિટમાં તો પરિવર્તન નહીં જ થાય તેવો સંકેત ટીમ મેનેજમેન્ટે આપ્યો હતો. ઓપનર રાહુલ અને અગ્રવાલની જોડીએ શાનદાર દેખાવ કર્યો હતો. મીડલ ઓર્ડરમાં રહાણે અને પુજારાના ફોર્મ અંગે ટીમ મેનેજમેન્ટ ચિંતિત છે. આમ છતાં તેમના આંતરરાષ્ટ્રીય સ્તરના બહોળા અનુભવની સાથે ટીમ કોમ્બિનેશનને ધ્યાનમાં રાખતાં તેમને વધુ એક તક મળશે તે લગભગ નક્કી લાગી રહ્યું છે.
કોચ દ્રવિડ અને કેપ્ટન કોહલી આવતીકાલથી શરૃ થનારી બીજી ટેસ્ટમાં ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરને પડતો મૂકીને વધુ એક ફાસ્ટરને ટીમમાં સમાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતે પ્રથમ ટેસ્ટમાં બુમરાહ, શમી, સિરાજ અને અશ્વિનની સાથે શાર્દૂલ ઠાકુરને ટીમમાં સામેલ કર્યો હતો. અલબત્ત, શાર્દૂલ મેચમાં ખાસ પ્રભાવ પાડી શક્યો નહતો અને આ જ કારણે તેને પડતો મુકીને ઈશાંત શર્મા કે ઉમેશ યાદવમાંથી એકને તક આપવામાં આવે તેવી વિચારણા ચાલી રહી છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ મેચ અગાઉ અંતિમ નિર્ણય લેશે. જોકે ટીમમાં આ સિવાય કોઈ પરિવર્તનની શક્યતા નથી.
ભારતીય ટિમ:
કોહલી (કેપ્ટન), રાહુલ (વાઈસ કેપ્ટન), અગ્રવાલ, પુજારા, શ્રેયસ ઐયર, પંત (વિ.કી.), અશ્વિન, ઠાકુર, બુમરાહ, શમી, સિરાજ, રહાણે, સહા (વિ.કી.), જયંત યાદવ, પ્રિયાંક પંચાલ, ઉમેશ યાદવ, વિહારી અને ઈશાં શર્મા.
સાઉથ આફ્રિકન ટીમ:
એલ્ગર, માર્કરામ, બવુમા (વાઈસ કેપ્ટન), રબાડા, ઈરવી, બી.હેન્ડ્રિક્સ, લિન્ડે, મહારાજ, એનગિડી, મુલ્ડર, પીટરસન, ડેર ડુસેન, વેરેયને (વિ.કી.), જેન્સન, સ્ટુરમાન, સુબ્રાયેન, મગાલા, રિકેલ્ટન, ઓલિવિયર.