બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં યજમાન ઓસ્ટ્રેલિયા 4 ટેસ્ટ મેચ બાદ 2-1થી આગળ છે અને હવે તેમની નજર સિડનીમાં રમાનારી ટેસ્ટ મેચ પર છે. ઓસ્ટ્રેલિયા આ મેચમાં જીત માટે જશે જેથી BGTની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની ટિકિટ પણ કન્ફર્મ થઈ શકે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની ટીમે સિડની ટેસ્ટ માટે પોતાની મજબૂત પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા ઓલરાઉન્ડર મિચેલ માર્શને ઓસ્ટ્રેલિયાએ બહારનો રસ્તો બતાવ્યો છે. તેના સ્થાને 31 વર્ષના ઓલરાઉન્ડરે ટીમમાં એન્ટ્રી કરી છે. આ શક્તિશાળી ઓલરાઉન્ડર સિડનીમાં ટેસ્ટ ડેબ્યૂ કરશે.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત સિડની ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં જે ઓલરાઉન્ડરનો સમાવેશ કર્યો છે તે બેઉ વેબસ્ટર છે. બેઉ વેબસ્ટરને ઘરેલુ ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શનનો પુરસ્કાર ટેસ્ટ ડેબ્યૂના રૂપમાં મળવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયન ડોમેસ્ટિક ક્રિકેટમાં વેબસ્ટર એક જાણીતું નામ છે. તે એક મીડિયમ પેસર છે અને તેની શાનદાર બેટિંગ માટે જાણીતો છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ રેકોર્ડ
તાસ્માનિયાના ઓલરાઉન્ડર વેબસ્ટરે માર્ચ 2022 થી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 57.1ની એવરેજથી રન બનાવ્યા છે, જ્યારે તેણે 31.7ની એવરેજથી 81 વિકેટ પણ લીધી છે. ગયા વર્ષે, 31 વર્ષીય વેબસ્ટર વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ સર ગારફિલ્ડ સોબર્સ બાદ શેફિલ્ડ શિલ્ડ સિઝનમાં 900 રન અને 30 વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. આ શ્રેણી પહેલા, તેણે મેકેમાં પ્રથમ ચાર દિવસીય મેચમાં ઓસ્ટ્રેલિયા A માટે ભારત A સામે અણનમ અડધી સદી ફટકારી હતી અને મેલબોર્ન મેચની બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ લીધી હતી. જો આપણે તેની એકંદર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો, વેબસ્ટરે 93 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ દરમિયાન તેના બેટમાંથી 5297 રન આવ્યા છે. તેની એવરેજ 37.83 રહી છે. બોલિંગ દરમિયાન તેણે 148 વિકેટ પોતાના નામે કરી છે.
ભારત સામેની પાંચમી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: સેમ કોન્સ્ટાસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યુ વેબસ્ટર, એલેક્સ કેરી (વિકેટ-કીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ .