પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં આજે ભારત અને બાંગ્લાદેશની ટીમો સામસામે ટકરાશે. આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ મેચ પહેલા એક ટીમના હેડ કોચે મોટું અપડેટ આપ્યું છે. આ ટીમના પ્લેઇંગ 11માં સ્ટાર ખેલાડી વાપસી કરી શકે છે. આ ખેલાડી તાજેતરમાં જ ઈજાગ્રસ્ત થયો હતો.
આ ખેલાડી પ્લેઇંગ 11માં પરત ફરી શકે છે
બાંગ્લાદેશના મુખ્ય કોચ ચંડિકા હથુરુસિંઘાએ કેપ્ટન શાકિબ અલ હસનની ઈજાને લઈને મોટું અપડેટ આપ્યું છે. સુકાની શાકિબ અલ હસને જાંઘના સ્નાયુની ઈજામાંથી સાજા થયા બાદ નેટ્સ સેશનમાં સારો સમય પસાર કર્યો હતો. ચંડિકા હથુરુસિંઘાએ જોકે કહ્યું કે શાકિબ ભારત સામે ત્યારે જ મેચ રમશે જ્યારે તે સંપૂર્ણ રીતે ફિટ અનુભવશે. કોચે કહ્યું કે શાકિબે ગઈ કાલે સારી બેટિંગ કરી હતી. તેણે વિકેટ વચ્ચે થોડી રનિંગ પણ કરી હતી. અમે સ્કેનનાં પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ. અમે તેને હજુ સુધી બોલિંગ કરાવ્યું નથી. અમે સવારે ઈજાનું મૂલ્યાંકન કરીશું અને નિર્ણય લઈશું. જો તે ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થવામાં નિષ્ફળ જશે તો અમે જોખમ નહીં લઈએ. જો તે સંપૂર્ણ રીતે તૈયાર હશે તો જ તે મેચ રમી શકશે.
તમામ ટીમો ભારતના નિર્ભય ક્રિકેટથી ડરે છે
ચંડિકા હથુરુસિંઘાએ કહ્યું કે ભારતીય ટીમ આ સમયે નિર્ભય ક્રિકેટ રમીને હરીફ ટીમોમાં ડર પેદા કરવામાં સફળ રહી છે. ચંડિકા હથુરુસિંઘાએ ભારત સામેની મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મને લાગે છે કે ભારતીય ટીમે દરેક વિભાગમાં સુધારો કર્યો છે. તેમની પાસે સ્ટ્રાઈક બોલર્સ છે. બુમરાહ ભૂતકાળની જેમ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે. તેમની પાસે મધ્ય ઓવરોમાં સારા, અનુભવી સ્પિનરો છે. તેમની બેટિંગ ખાસ કરીને ટોપ ઓર્ડર આક્રમક છે. આ સ્તરે ટીમ જે રીતે નિર્ભયતાથી રમી રહી છે તે કોઈપણ ટીમ માટે ડરામણી છે.
ટીમ ઈન્ડિયાએ સાવધાન રહેવું પડશે
બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાના આંકડા ઘણા પ્રભાવશાળી છે. પરંતુ છેલ્લી કેટલીક મેચોમાં બાંગ્લાદેશની ટીમ ભારત પર પ્રભુત્વ જમાવી રહી છે. બાંગ્લાદેશે ભારત સામેની છેલ્લી પાંચ વનડેમાંથી ત્રણ મેચ જીતી છે. બાંગ્લાદેશે 2022ની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભારતને 2-1થી હરાવ્યું હતું. તે જ સમયે, તાજેતરમાં એશિયા કપ 2023 દરમિયાન ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશે છ રનથી હરાવ્યું હતું.