ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આવતા વર્ષે પાકિસ્તાનમાં થવાનું છે પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આખી ટુર્નામેન્ટ પાકિસ્તાનની ધરતી પર રમાશે કે હાઇબ્રિડ મોડલ અપનાવવામાં આવશે. ભારતીય ટીમ પહેલા જ પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ઇનકાર કરી ચૂકી છે, જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તણાવમાં છે. આ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
વાસ્તવમાં, ICC ચેમ્પિયન્સ ટ્રોફીના મુદ્દાને ઉકેલવા માટે ઈમરજન્સી બેઠક બોલાવવા જઈ રહ્યું છે. આ બેઠકનું આયોજન કરવા પાછળનું કારણ BCCI અને PCB વચ્ચે ટૂર્નામેન્ટને લઈને પરસ્પર સહમતિ સાધવાનું છે. હવે જોવાનું એ રહે છે કે આ બેઠકનું શું પરિણામ આવે છે. ESPNcricinfoએ પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. આ રિપોર્ટ અનુસાર, ICC બોર્ડ આગામી સપ્તાહે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીના ભાગ્ય પર ચર્ચા કરવા માટે ઈમરજન્સી બેઠક બોલાવશે. આ બેઠક 26 નવેમ્બરે યોજાશે, જેનો એકમાત્ર એજન્ડા ટુર્નામેન્ટ માટે હાઇબ્રિડ મોડલ અપનાવવામાં આવે કે નહીં તે અંગે સર્વસંમતિ બનાવવાનો છે.
ટુર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લેશે
ICC બોર્ડમાં 12 પૂર્ણ સભ્ય દેશોના પ્રતિનિધિઓ, એસોસિએટ્સના ત્રણ પ્રતિનિધિઓ, એક સ્વતંત્ર ડિરેક્ટર તેમજ ICCના પ્રમુખ અને CEOનો સમાવેશ થાય છે. PCBને ત્રણ વર્ષ પહેલા નવેમ્બર 2021માં આઠ ટીમોની ODI ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. ત્યારથી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાકિસ્તાનના ત્રણ સ્થળો લાહોર, કરાચી અને રાવલપિંડીમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.
નોંધનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં, ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમને પાકિસ્તાનમાં યોજાનાર T20 ક્રિકેટ વર્લ્ડ કપમાંથી ખસી જવાની ફરજ પડી હતી, કારણ કે ટીમને પાકિસ્તાન જવા માટે ભારત સરકાર તરફથી મંજૂરી મળી શકી ન હતી. હવે જોવાનું એ રહેશે કે ICCની ઈમરજન્સી બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે અને બંને બોર્ડ વચ્ચે પરસ્પર સહમતિ સધાય છે કે નહીં.