ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ મંગળવારે યોજાયેલી 91મી વાર્ષિક સાધારણ સભામાં મહિલા આઈપીએલની મંજૂરી આપી દેવામાં આવી છે. બીસીસીઆઈએ એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “જનરલ બોડીએ વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગના આયોજનને મંજૂરી આપી હતી. આગામી વર્ષે 26 ફેબ્રુઆરીએ આઇસીસી વિમેન્સ ટી-20 વર્લ્ડ કપના સમાપન બાદ તરત જ મહિલા આઈપીએલ શરુ થશે જેમાં પાંચ ટીમ હશે.
બીસીસીઆઇના પ્રસ્તાવ પ્લાનમાં 22 મેચોનો સમાવેશ થાય છે અને દરેક ટીમમાં 18 ખેલાડીઓ ભાગ લેશે, જેમાં વધુમાં વધુ છ વિદેશી ખેલાડીઓ હશે. પાંચથી વધુ વિદેશી ખેલાડીઓ એક સાથે પ્લેઇંગ ઇલેવનમાં એક સાથે રમી શકતા નથી, જેમાં પૂર્ણ-સભ્ય રાષ્ટ્રના ચાર અને એક સહયોગી ટીમના ખેલાડીઓ હશે. જોકે બીસીસીઆઇએ હાલમાં મહિલા કાર્યક્રમ નક્કી કર્યો નથી પરંતુ તેને સત્તાવાર રીતે મંજૂરી આપી છે. પુરુષોની આઈપીએલ માર્ચમાં શરૂ થાય તેવી શક્યતા છે.