કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર નકવીએ આપ્યું રાજીનામું
આજે રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે
કેબિનેટની બેઠક બાદ રાજીનામાની કરી જાહેરાત
6 જુલાઈએ કેન્દ્રીય મંત્રી પીએમ મોદીએ મુખ્તાર અબ્બાસ નકવીનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે પરંતુ તેના એક દિવસ પહેલા તેમણે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામાની જાહેરાત કરી દીધી છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી અને તેમાં નકવીએ ભાગ લીધો હતો. કેબિનેટની બેઠક બાદ તેમણે રાજીનામું આપ્યું હતું.
મોદી કેબિનેટમાંથી રાજીનામું આપતા પહેલા નકવીએ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી અને તે પછી તેમણે વિધિવત રીતે મંત્રીમંડળમાંથી રાજીનામાની જાહેરાત કરી હતી.
મોદી સરકારના બે મંત્રીઓના રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ ગુરુવારે પૂરો થઈ રહ્યો છે. જેમાં મુખ્તાર અબ્બાસ નકવી તેમજ જેડી(યુ) ક્વોટાના આરસીપી સિંહનો સમાવેશ થાય છે. બંને નેતાઓ 6 જુલાઈ પછી કોઈ પણ ગૃહના સભ્ય રહેશે નહીં. નકવીને ઉપરરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાય તેવી શક્યતા છે.
નકવી મોદી સરકારમાં લઘુમતી બાબતોના મંત્રી હતા. તેઓ પાર્ટીનો જાણીતો મુસ્લિમ ચહેરો છે અને ખુદ પ્રધાનમંત્રી મોદી પણ તેમના કામથી ખુશ હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમને કોઈ મોટી જવાબદારી મળે તેવું રાજકીય વર્તૂળમાં ચર્ચાઈ રહ્યું છે.