- આમ આદમી પાર્ટીએ પંજાબના સીએમ ઉમેદવાર કર્યા જાહેર
- ભગવંત માન AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર
- પબ્લિક વોટિંગમાં 21માંથી 15 લાખ લોકોએ તેમને ચૂંટ્યા: કેજરીવાલ
પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)એ ભગવંત માનને પોતાના મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવ્યા છે. સાંસદ ભગવંત માનનું નામ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે મોહાલીમાં આ જાહેરાત કરી હતી. આ દરમિયાન ભગવંત માનની માતા હરપાલ કૌર પણ હાજર રહ્યાં હતાં. આ તરફ કેજરીવાલની જાહેરાત પહેલાં જ સમગ્ર શહેરમાં ભગવંત માનનાં પોસ્ટર લગાવી દેવામાં આવ્યાં હતાં. AAP દ્વારા પંજાબમાં પાર્ટીના મુખ્યમંત્રી પદનો ચહેરો પસંદ કરવા માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે તેનો નિર્ણય જાહેર વોટિંગ દ્વારા લેવામાં આવ્યો છે.
પંજાબના 21 લાખથી વધુ લોકોએ જાહેર મતદાનમાં પોતાનો મત આપ્યો હતો, જેમાંથી 15 લાખ લોકોએ ભગવંત માનનું નામ જણાવ્યું હતું. આ પહેલાં પાર્ટીમાં ધારાસભ્યો વતી સાંસદ ભગવંત માનને સીએમ તરીકે જાહેર કરવાની માગ કરવામાં આવી હતી. AAP આજે પંજાબમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલે આની મોહાલીમાં જાહેરાત કરી હતી.. AAPએ આ માટે મોબાઈલ નંબર જાહેર કરીને લોકોનો અભિપ્રાય માગ્યો હતો અને 3 દિવસમાં 21.59 લાખ લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
ભગવંત માનને સીએમ ચહેરો બનાવવા પર મહોર લાગી ચૂકી છે. લગભગ 15 લાખ લોકોએ ભગવંત માનનું નામ જણાવ્યું છે. આજે સત્તાવાર જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલે પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પંજાબમાં સીએમ પદની રેસમાં નથી. પંજાબનો સીએમ ચહેરો શીખ સમુદાયમાંથી જ હશે. 2017માં સીએમ ચહેરો શીખ સમુદાયનો ન હોવાને કારણે AAPને મોટો આંચકો લાગ્યો હતો. વિરોધીઓએ કહ્યું હતું કે બહારથી કોઈ મુખ્યમંત્રી બની શકે છે, જેને કારણે પંજાબી લોકો AAPથી દૂર જતા રહ્યા હતા. પંજાબમાં 20 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. અગાઉ 14 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની હતી, પરંતુ રવિદાસ જયંતીને કારણે તેને આગળ કરતાં હવે 20 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે.