સુપ્રીમ કોર્ટે અર્થતંત્રને થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે
અશ્વિની ઉપાધ્યાયે ફ્રીબી વહેંચવાનું વચન આપનારા પક્ષોની માન્યતા રદ કરવાની માગણી કરી
ફ્રી વસ્તુઓ આપીને સરકારી તિજોરીમાં ભારણ વધ્યું
સુપ્રીમ કોર્ટે ચૂંટણી દરમિયાન મફત યોજનાઓની જાહેરાત અને તેના પછીના અમલીકરણને કારણે અર્થતંત્રને થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે સમસ્યાનો સામનો કરવા માટે નિષ્ણાત સમિતિની રચના પર ભાર મૂક્યો હતો. કોર્ટે કહ્યું કે સમિતિમાં નાણાં પંચ, નીતિ આયોગ, રિઝર્વ બેંક, કાયદા પંચ, રાજકીય પક્ષો સહિત અન્ય પક્ષોના પ્રતિનિધિઓ હોવા જોઈએ. આ કેસની આગામી સુનાવણી 11 ઓગસ્ટ, ગુરુવારના રોજ થશે.
આ કેસની ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને તેમનો અભિપ્રાય પૂછ્યો હતો. ન્યાયાધીશોએ કહ્યું હતું કે સિબ્બલ વરિષ્ઠ સાંસદ પણ છે. તેથી, તેમનો અભિપ્રાય મહત્વપૂર્ણ હોઈ શકે છે. ત્યારે સિબ્બલે કહ્યું હતું કે રાજકીય કરતાં આ આર્થિક બાબત વધુ છે. આના પર નાણાં પંચને પૂછવું જોઈએ કે દેવામાં ડૂબેલા રાજ્યોને મૂફ-અપ યોજનાઓથી કેવી રીતે રોકી શકાય. સિબ્બલે આજે સંસદમાં પણ આ મુદ્દે ચર્ચાની સલાહ આપી હતી. આના પર ચીફ જસ્ટિસ રમનાએ કહ્યું કે, શું તમને લાગે છે કે સંસદમાં ચર્ચા થશે? આજે દરેકને મફતમાં કંઈક ને કંઈક જોઈતું હોય છે.”
જસ્ટિસ કૃષ્ણા મુરારી અને હિમા કોહલી સાથે કેસની સુનાવણી કરી રહેલા ચીફ જસ્ટિસે કહ્યું કે, “માત્ર અમીરોને જ સુવિધા મળવી જોઈએ નહીં. ગરીબોના કલ્યાણની વાત હોય તો સમજી શકાય. પરંતુ તેની પણ એક મર્યાદા છે.” આ પછી ચીફ જસ્ટિસે સુનાવણી 11 ઓગસ્ટ સુધી ટાળીને કહ્યું કે કમિટીની રચના થવી જોઈએ અને તેનો ઉકેલ શોધવામાં આવશે.
ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે ફ્રીબી વહેંચવાનું વચન આપનારા પક્ષોની માન્યતા રદ કરવાની માગણી કરી છે. તેમની અરજીમાં કહેવામાં આવ્યું છે કે આવી જાહેરાતો મતદાતાને લાંચ આપવા જેવી એક પ્રકારની બાબત છે. તે માત્ર ચૂંટણીમાં ઉમેદવારોને અસમાન સ્થિતિમાં મૂકે છે એટલું જ નહીં, પરંતુ ચૂંટણી પછી સરકારી તિજોરી પર બિનજરૂરી ભારણ પણ મૂકે છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર 25 જાન્યુઆરીએ નોટિસ જાહેર કરી હતી.
વિકાસસિંહે પોતાની રજૂઆત કરતાં કહ્યું હતું કે, “રાજ્યો પર લાખો કરોડ રૂપિયાનું દેવું છે. તે તેને ચૂકવવાની સ્થિતિમાં નથી. સવાલ એ છે કે, દેવામાં ડૂબેલું રાજ્ય મફત યોજના કેવી રીતે પૂર્ણ કરશે? આ અંગે કોઈ સવાલ કરતું નથી. રાજકીય પક્ષ તરફથી કોઈ જવાબદારી નક્કી કરવામાં આવતી નથી. તે ગમે તે જાહેરાત કરે છે.
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ખુલ્લેઆમ આ અરજીનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, બેજવાબદારીપૂર્વકની જાહેરાતો કરનાર પક્ષો સામે કાર્યવાહીનો મુદ્દો ચૂંટણી પંચ પર છોડી દેવો જોઈએ. મહેતાએ એમ પણ કહ્યું હતું કે, જો ફ્રીબીઝની જાહેરાતો પર લગામ નહીં લાગે તો દેશની અર્થવ્યવસ્થા બરબાદ થઈ જશે.