પ્રશાંત કિશોરને લઈ નરેશ પટેલે આપ્યું નિવેદન
પ્રશાંત કિશોર મારા સારા મિત્ર છે: નરેશ પટેલ
આ મહિનાના અંત સુધીમાં હું ફાઇનલ તારીખ જણાવીશ: નરેશ પટેલ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી પર ખૂબ રાજકારણ થઈ રહ્યું છે ત્યારે આજે કાગવડમાં ખોડલધામના તમામ ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલે બેઠક કરી હતી અને તે બાદ મોટું નિવેદન આપ્યું છે. ગઈકાલે જ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસ પાર્ટીમાં જોડાવવાની ઓફર ઠુકરાવી દીધી છે ત્યારે નરેશ પટેલ પણ હવે કોંગ્રેસમાં નહીં જાય તેવી ચર્ચાઓ ખૂબ તેજ હતી. જોકે આજે નરેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે પ્રશાંત કિશોરના નિર્ણયની અસર તેમની પર નહીં પડે. તેમણે કહ્યું કે પ્રશાંત કિશોર મારા ખૂબ સારા મિત્ર છે અને જો હું રાજકારણમાં જઈશ તો તે ચોક્કસ મારી સાથે ઊભા જ રહેશે.
આ સિવાય તેમણે કહ્યું કે કોંગ્રેસમાં ન જવાની વાત તેમની અંગત છે અને પ્રશાંત કિશોરે માત્ર કોંગ્રેસમાં સામેલ થવાની ના પાડી છે, રાજકારણથી દૂર થઈ જવાની જાહેરાત નથી કરી.રાજકારણમાં પ્રવેશને લઈને નરેશ પટેલ તારીખ પર તારીખ આપી રહ્યા છે ત્યારે આજે પણ તેમણે કોઈ સ્પષ્ટતા કરી નથી અને કઈ તારીખે જાહેરાત કરશે તેને લઈને પણ હજુ પણ અસમંજસતા છે ત્યારે નરેશ પટેલે આજે સૂચક નિવેદન આપ્યું હતું કે યુવાનો અને બહેનો ખૂબ ઈચ્છે કે હું આગળ આવું પણ ખાલી વડીલો એમ ઈચ્છે કે હું રાજકારણમાં પ્રવેશ કરું નહીં. હું આ મહિનાના અંત સુધીમાં તમને ફાઇનલ ડેટ આપી દઈશ કારણ કે હવે મારે પણ બહુ લાંબુ નથી ખેંચવું.