મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીના પક્ષો હજુ પણ ભયંકર હાર પચાવી શક્યા નથી. શરદ પવાર બાદ હવે ઉદ્ધવ ઠાકરે પણ ઈવીએમને લઈને આક્રમક બન્યા છે. શિવસેના (UBT)ની બેઠકમાં પાર્ટીના હારેલા ઉમેદવારોએ EVM કૌભાંડની આશંકા વ્યક્ત કરી હતી. આ આરોપ બાદ હવે ઉદ્ધવ ઠાકરેએ મોટું પગલું ભર્યું છે. ઉદ્ધવે તેમના પરાજિત ઉમેદવારોને VVPATની પુન: ગણતરી માટે અરજી દાખલ કરવા કહ્યું છે.
ઉમેદવારોએ ઈવીએમ પર આક્ષેપ કર્યા
વાસ્તવમાં મહાવિકાસ અઘાડી ચૂંટણી પરિણામો બાદથી EVM પર સવાલ ઉઠાવી રહી છે. શિવસેના (UBT)ના ઉમેદવારોએ EVM કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં, ઉદ્ધવ ઠાકરેએ નિર્ણય લીધો છે કે જે મતદાન મથકો પર EVM ગોટાળાની આશંકા છે ત્યાં 5 ટકા VVPAT ના પુનઃગણતરી માટેની અરજી દાખલ કરવામાં આવશે.
પુન: ગણતરીનો નિયમ શું છે?
ઉદ્ધવ ઠાકરેએ તેમના તમામ પરાજિત ઉમેદવારોને EVM કૌભાંડની શંકા હોય તેવા મતદાન મથકો પર 5% VVPATની પુનઃગણતરી માટે તાત્કાલિક અરજી દાખલ કરવાનો આદેશ આપ્યો છે. નિયમો હેઠળ, પરાજિત ઉમેદવારો પરિણામના 6 દિવસની અંદર 5% VVPATની પુન: ગણતરીની માંગ કરી શકે છે. આજે ઉદ્ધવ ઠાકરે 12 વાગે શિવસેનાના નેતાઓ સાથે બેઠક કરશે.
ચૂંટણીમાં ઉદ્ધવની પાર્ટીની ખરાબ હાલત
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના યુબીટીએ 95 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાંથી માત્ર 20 ઉમેદવારો જ જીતી શક્યા હતા. બીજી તરફ એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાએ 57 બેઠકો જીતી છે. તમને જણાવી દઈએ કે અગાઉ 2019ની વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવની પાર્ટી (અવિભાજિત શિવસેના)એ 56 બેઠકો જીતી હતી. ચૂંટણી પરિણામો બાદ ઉદ્ધવે પોતાના જૂના સાથી ભાજપને છોડીને કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી.