ગુજરાતમાં ચૂંટણીમાં પડઘમ પ્રચંડ થઈ ગયા છે, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર ખૂબ તેજ કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના કેન્દ્રીય નેતાઑ ભલે ગુજરાતથી દૂરી બનાવીને ચાલી રહ્યા હોય પણ પ્રાદેશિક નેતાઓ પ્રચારની સાથે સાથે મોટા નેતાઓને પાર્ટીમાં સામેલ કરાવવા માટે મહેનત કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. ગઇકાલે જ મહેન્દ્ર સિંહ વાઘેલાએ કોંગ્રેસ જોઇન કર્યું છે ત્યારે હવે શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં સામેલ થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા અને શંકર સિંહ વાઘેલા વચ્ચે બેઠક બાદ બાપુની રિ એન્ટ્રીને લઈને તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં શંકરસિંહ વાઘેલા કોઈ પણ શરત વગર જ પાર્ટીમાં આવી જવા માટે તૈયાર છે.
શંકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં તમામ વાતો નક્કી કરી દેવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ અને શંકરસિંહ વાઘેલાની વચ્ચે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર મધ્યસ્થતા કરી રહ્યા છે. એવામાં આગામી દિવસમાં મોટું એલાન કરવામાં આવી શકે છે.
શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા, ગુજરાતમાં પોતાની પાર્ટી રાજપાના ‘ટનાટન’ પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકારના કપડા મંત્રી રહી ચુક્યા છે. 2017 માં સોનિયા ગાંધીના રાજનીતિક સલાહકાર અહેમદ પટેલ સાથે કથિત વાંધો પડતા બાપુએ કોંગ્રેસ છોડી,પણ એ પહેલા તેમના કથિત જૂથના ધારાસભ્યોને પાર્ટીમાંથી ‘રવાના ‘ કરાવ્યા. પોતાના જન્મદિવસે જ બાપુએ મોટું એલાન કરી કોંગ્રેસ છોડી . રાજ્ય સભાની ચૂંટણી વેળા, ધારાસભ્યો કોંગ્રેસ છોડી ગયા. બાપુએ વિધાનસભા ચૂંટણી વેળા ‘જન વિકલ્પ’મોરચો રચ્યો. પણ તેમાંથી પોતાના પુત્ર મહેન્દ્રસિંહને ચૂંટણી નાં લડાવી. પાછળથી મહેન્દ્રસિંહ ભાજપમાં આવ્યા. શંકરસિંહને ભાજપમાં લાભ જોવા મળ્યો, પણ પછી સ્થિતિ પારખી પારોઠના પગલા ભર્યા.