મેઘાલયમાં, નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના વડા અને મુખ્યમંત્રી કોનરાડ સંગમા સરકાર રચવાનો દાવો કરવા માટે રાજ્યપાલને મળશે. સંગમાએ મીડિયા સાથે વાત કરતા આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભાજપે અમને ઔપચારિક સમર્થન આપ્યું છે. અમે રાજ્યપાલને મળીશું અને તેમને વિનંતી કરીશું કે અમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે. સંગમાએ કહ્યું કે ભાજપ સિવાય અન્ય રાજકીય પક્ષોએ પણ સમર્થન આપ્યું છે. અમારી પાસે સરકાર બનાવવા માટે પૂરતી સંખ્યા છે.
સંગમાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. “અમને જાણ કરવામાં આવી છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંભવતઃ પીએમ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. અમે પીએમઓ તરફથી પુષ્ટિની રાહ જોઈ રહ્યા છીએ.
મેઘાલય ચૂંટણીના પરિણામો ગુરુવારે આવ્યા. જેમાં કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. રાજ્યમાં કુલ 60 વિધાનસભા બેઠકો છે. જોકે, માત્ર 59 બેઠકો માટે ચૂંટણી યોજાઈ છે. એક બેઠક પર ઉમેદવારના મૃત્યુને કારણે ચૂંટણી રદ કરવામાં આવી હતી.
એનપીપીએ ચૂંટણીમાં 26 બેઠકો જીતી હતી. ભાજપના ખાતામાં બે, UDPને 11 બેઠકો મળી છે. આ ઉપરાંત કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસને પાંચ-પાંચ બેઠકો મળી છે. વાઇસ ઓફ પીપલ પાર્ટીના ચાર ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. પીડીએફ, એચએસપીડીપીએ બે-બે બેઠકો જીતી છે. બે અપક્ષ ઉમેદવારો પણ જીત્યા છે.