ગુજરાતમાં હાલ ચૂંટણી માહોલ જામ્યો છે. ત્યારે તમામ પક્ષોના અસંતુષ્ટ નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. ટિકિટ ન મળતા રેશ્મા પટેલે પણ NCPમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે NCPના તમામ સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે, રેશ્મા પટેલે NCPથી ગોંડલ બેઠક માટે ટિકિટ માંગી હતી. પંરતુ એનસીપી અને કોંગ્રેસનાં ત્રણ બેઠકનાં ગઠબંધનને કારણે તેમને ત્યાંથી ટિકિટ મળવાનો કોઇ રસ્તો રહ્યો નથી. જેથી ટિકિટ ન મળતા રેશ્મા પટેલ NCPથી નારાજ હતા. નોંધનીય છે કે, આ પહેલા કાંધલ જાડેજાએ પણ એનસીપીમાંથી રાજીનામું આપ્યું છે. જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રેશ્મા પટેલ રાજીનામા બાદ આજે આપમાં જોડાઇ શકે છે. રેશ્મા પટેલે અરવિંદ કેજરીવાલોનો સંપર્ક કર્યો છે તેવું પણ કહેવામાં આવી રહ્યુ છે.
એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થયા પછી રેશમા પટેલને ક્યાંથી લડાવવા તે પણ મોટો સવાલ બની ગયો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને એનસીપીએ ત્રણ બેઠકો પર ગઠબંધન કર્યું છે. જેથી રેશમા પટેલની સૌરાષ્ટ્રથી ચૂંટણી લડવાની ઈચ્છા રહી ગઈ હતી. ત્યારે મળતી માહિતી પ્રમાણે, આજે સવારે 10 વાગ્યાની આસપાસ રાઘવ ચઢ્ઢાની ઉપસ્થિતિમાં રેશ્મા પટેલ આપમાં જોડાઇ શકે છે. તેની સાથે જ રેશમા પટેલને આમ આદમી પાર્ટી વિરમગામથી હાર્દિકની સામે રેશમા પટેલને લડાવવાની તૈયારી કરી રહી છે.
રેશમા પટેલ એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન પર ખુશ નથી. આ અંગે રેશ્મા પટેલે જણાવ્યુ હતુ કે, આ ગઠબંધનથી હું ઘણી દુખી છું. આ સાથે સૌરાષ્ટ્રની કોઇપણ બેઠક પર અમને મેન્ડેટ આપવામાં આવ્યો નથી. તેમણે પોતાની વ્યથા જણાવતા કહ્યુ કે, આ રાજનીતિ છે અહીં મહિલાઓ અને જાતે સંઘર્ષ કરતા લોકોને વધારે મહેનત કરવી પડે છે.
અપક્ષ ચૂંટણી લડવા અંગે રેશ્મા પટેલે જણાવ્યું હતુ કે, મારી પાસે સમય છે હું વિચારીશ. પરંતુ હું એવું નથી ઇચ્છતી કે, કોઇપણ સમીકરણ એવું રચાય કે, જેનાથી બીજેપી જીતે. એટલે હું ફૂંકી ફૂંકીને પગલું મુકીશ. જો હું જીતું તેવું દેખાશે તો હું ચોક્કસ ઝંપલાવીશ.