રાહુલ ગાંધી દાહોદના પ્રવાસે
આદિવાસી સત્યાગ્રહ સભાને સંબોધશે
આદિવાસી નેતાઓ સાથે કરશે બેઠક
ગુજરાતમાં ચૂંટણીની મોસમ શરૂ થઈ ગઈ છે. જેમાં ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ પ્રચારનું રણશિંગુ ફૂંકવા જઈ રહી છે. અને તેની શરૂઆત દાહોદથી કરશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધશે. અને આદિવાસીઓના અનેક સળગતા મુદ્દાઓને લઈને ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે. ઉલ્લેખનીય છે કે, મિશન 2022ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની સૌ પ્રથમ જાહેરસભા છે.
હાલ ગુજરાતમાં ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે રાજયમાં રાજકીય હાલચાલો તેજ બની છે. રાહુલ ગાંધી સભા સંબોધ્યા બાદ કોંગ્રેસના નેતાઓ સાથે બે બેઠક પણ કરશે. એક બેઠક આદિવાસી આગેવાનો અને અન્ય સિનિયર નેતાઓ સાથે કરશે જ્યારે બીજી બેઠક ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો સાથે કરશે.
એટલું જ નહીં. ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કરાશે. રાહુલ ગાંધી સભા સંબોધ્યા બાદ કોંગ્રેસના નેતાઓ સાથે બે બેઠક પણ કરશે. જેમાં આદિવાસી અનામત બેઠકો જીતવા બેઠકમાં ચર્ચા થશે. આ સાથે 27 અનામત અને 10 આદિવાસી પ્રભાવિત બેઠક માટે પણ ચર્ચાઓ કરવામાં આવશે. તેમજ કોંગ્રેસમાં થઇ રહેલા નુકસાનને ખાળવા અંગે નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પૂરી તૈયારીમાં જોતરાઈ ગયું છે ત્યારે આજે રાહુલ ગાંધી ગુજરાતમાં નેતાઓ સાથે મુલાકાત કરી ચૂંટણીની સમીક્ષા કરશે.મહત્વનું છે કે આ કાર્યક્રમ તા.1 ના યોજાવાનો હતો પરંતુ કોઈ કારણસર પાછો ઠેલવામાં આવ્યો હતો