કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટે માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે અને બે વર્ષની સજા ફટકારી છે. 2019માં રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી, આ જ કેસમાં કોર્ટે રાહુલ ગાંધીને સજા ફટકારી છે. રાહુલ ગાંધી વિરૂદ્ધ દાખલ કરાયેલા અપરાધિક માનહાનિના કેસમાં સુરત કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. મળતી માહિતી મુજબ, સજા બાદ તરત જ રાહુલ ગાંધીને પણ જામીન મળી ગયા છે. જો કે સુરત કોર્ટ દ્વારા જામીન ન આપવામાં આવે તો રાહુલ ગાંધી આ નિર્ણય સામે હાઈકોર્ટમાં જઈ શક્યા હોત. આ કેસમાં વધુમાં વધુ બે વર્ષની સજાની જોગવાઈ છે. ફરિયાદીએ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે.
કેન્દ્રીય મંત્રીની પ્રતિક્રિયા
બદનક્ષીના એક કેસમાં કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકાર્યા બાદ સુરતના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે માત્ર સુરતમાં જ નહીં, ગુજરાતનો OBC સમુદાય રાહુલ ગાંધીના નિવેદનથી નારાજ છે અને તેમણે કોર્ટના નિર્ણયને આવકાર્યો છે.
કઈ કલમો હેઠળ કેસ નોંધાયેલ છે?
આ પહેલા રાહુલ ગાંધીના એડવોકેટ કિરીટ પાનવાલાએ જણાવ્યું હતું કે ગત સપ્તાહે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી અને ચુકાદો જાહેર કરવા માટે 23 માર્ચની તારીખ નક્કી કરી હતી. રાહુલ ગાંધી વિરુદ્ધ IPC કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ પહેલા ઓક્ટોબર 2021માં રાહુલ ગાંધી તેમનું નિવેદન નોંધવા માટે સુરત કોર્ટમાં હાજર થયા હતા.
રાહુલ વિરુદ્ધ કોણે નોંધાવી ફરિયાદ?
તમને જણાવી દઈએ કે ભાજપ નેતા અને ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીના કથિત વિવાદાસ્પદ નિવેદન સામે ફરિયાદ નોંધાવી હતી. રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકના કોલારમાં આયોજિત જાહેર સભામાં આ કથિત નિવેદન આપ્યું હતું.