ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અનેક જગ્યાએ ટિકિટ જાહેર કર્યા બાદ ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. જેમાં ભાજપની પરંપરાગત વઢવાણ બેઠક પર પણ ભાજપને જાહેર કરેલા ઉમેદવાર બદલવાની ફરજ પડી છે. વાત જાણે એમ છે કે, વઢવાણ બેઠક પર ભાજપે છેલ્લી ઘડીએ નામ બદલ્યુ છે. અગાઉ જાહેર કરાયેલા જીગ્ના પંડ્યાનું નામ બદલીને જગદિશ મકવાણાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે હવે જગદીશ મકવાણાનું નામ જાહેર કરતા બ્રહ્મસમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ બેઠકને લઈ કોકડું ગૂંચવાતું જ જાય છે. પહેલા ભાજપે વઢવાણ બેઠક પર બ્રહ્મસમાજના જીગ્ના પંડ્યાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. જે બાદમાં અચાનક વઢવાણ બેઠક પર ભાજપે છેલ્લી ઘડીએ નામ બદલ્યુ છે. વઢવાણ બેઠક પર છેલ્લી ઘડીએ ભાજપ દ્વારા રાજકીય દાવ ખેલી સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ જગદીશ મકવાણાને ટિકિટ આપી દેવામાં આવી છે.
વઢવાણ બેઠક પર અગાઉ જીગ્ના પંડ્યાને ઉમેદવાર જાહેર કર્યા બાદ અચાનક વળાંક આવ્યો છે. જેમાં ભાજપે જગદીશ મકવાણાને ટિકિટ આપતા બ્રહ્મસમાજ અગ્રણી મિલન શુક્લએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ આ બ્રહ્મસમાજનું અપમાન છે. આ સાથે સૌરાષ્ટ્રમાં બ્રહ્મસમાજને ભાજપે એકપણ ટિકિટ આપી ન હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
કોણ છે જીજ્ઞા પંડ્યા ?
વઢવાણ બેઠક પર બ્રાહ્મણ સમાજના અને વર્ષ 2007થી ભાજપના સક્રિય કાર્યકર્તા છે. જીજ્ઞા પંડ્યાને ભાજપે વઢવાણ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદબરોબર ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ જ વઢવાણ બેઠક પર રાજકીય ડ્રામા સર્જાયો હતો. આ તરફ જીજ્ઞા પંડ્યાએ જણાવ્યું હતું કે, પાર્ટીનો આદેશ સર્વોપરી છે અને પ્રધાનમંત્રી તેમજ ભાજપે મને તક આપી તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું.