ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થઇ ગઇ છે. તમામ રાજકીય પક્ષો પોતાપોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યાં છે. ત્યારે ભાજપમાં આજે ઉમેદવારોની પસંદગી માટેનો આજે અંતિમ દિવસ છે. એ પહેલાં CR પાટીલે ઉમેદવારોની પસંદગીને લઇને મોટું નિવેદન આપ્યું છે. CR પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે, ‘ભાજપના નેતાઓના કોઈ પણ સગાંને ટિકિટ નહીં મળે, ધારાસભ્ય, સાંસદ કે પૂર્વમંત્રી હશે તો તેમના સગાંને ટિકિટ નહીં મળે.’
તમને જણાવી દઇએ કે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે બાદ હવે તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી કરવામાં લાગી ગયા છે. આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગીનો અંતિમ દિવસ છે. આજે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. જેમાં ઘાટલોડિયા, નિકોલ, વટવા સિવાય 13 બેઠકોના સેન્સ લેવામાં આવશે.
અમદાવાદની 16 બેઠકો માટે આગામી 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. આ તમામ બેઠકો ઉપર ભાજપમાંથી 500 લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં સૌથી વધુ 62 અસારવા, બાપુનગર માટે 51એ દાવેદારી નોંધાવી છે. જ્યારે ઘાટલોડિયા માટે એક માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાવેદારી નોંધાવી છે. તો કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાયેલા 6 નેતાઓએ પણ ટિકિટની માંગ કરી છે. એલિસબ્રિજ બેઠક પર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ અને ધારાસભ્ય રાકેશ શાહે દાવેદારી કરી છે. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વટવાથી ઉમેદવારી નોંધાવી છે.
અમદાવાદની કુલ 16 બેઠકો પર દાવેદારો વિશે વિગતવાર વાત કરીએ તો ઘાટલોડિયામાં એક માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાવેદારી નોંધાવી છે. જ્યારે વેજલપુરમાં 28, વટવામાં 12, એલિસબ્રિજમાં 27, નારણપુરામાં 12, નિકોલમાં 16, ઠક્કરનગરમાં 22, બાપુનગરમાં 51, અમરાઈવાડીમાં 22, દરિયાપુરમાં 24, જમાલપુર- ખાડિયામાં 16, મણિનગરમાં 25, દાણીલીમડામાં 14, સાબરમતીમાં 9, અસારવામાં 62, નરોડામાં 42 નેતાઓએ દાવેદારી નોંધાવી છે.